BREAKING NEWS

કલ્યાણપુરમાં એક, ખંભાળીયા-ભાટીયામાં અડધો ઇંચ કમોસમી વરસાદ

  • April 03, 2026 01:07 PM 


કલ્યાણપુરમાં એક, ખંભાળીયા-ભાટીયામાં અડધો ઇંચ કમોસમી વરસાદ


જામનગર-દ્વારકા જિલ્લામાં  માવઠાની વધુ એક માર: ખેડુતોમાં ચિંતાની લાગણી: ખેતરોમાં ભરાયા પાણી


આજે સવારે કલ્યાણપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા: જામનગર શહેરમાં ર દિવસથી અમી છાંટણા: મીઠાપુર, સુરજકરાડી, ખંભાળીયા, દ્વારકા, લીંબડી, ભોગાત, ખટીયા અને ભાણવડમાં આજે બીજા દિવસે પણ કમોસમી વરસાદ: આજ રાત સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની આગાહી


સમગ્ર રાજયમાં ભર ઉનાળે હાલારમાં કમોસમી માવઠુ થતા ખેડુતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ગઇકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયામાં અડધો ઇંચ વરસાદ પડયા બાદ આજે સવારે આઠથી દસ દરમ્યાન વીજળીના ભારે કડાકા ભડાકા બાદ કલ્યાણપુરમાં એક ઇંચ વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તેમજ ખંભાળીયામાં અડધો ઇંચ વરસાદ પડયો છે આ લખાય છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામડાઓમાં વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. કલ્યાણપુર, ખંભાળીયા, વિસ્તારમાં ઝાપટા પડયા છે. આજ સવારથી જામનગર શહેર, મીઠાપુર, આરંભડા, દ્વારકા, સુરજકરાડી, લીંબડી, ભોગાત, ખટીયા, આજે રાત્રી સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઝાપટા પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે ત્યારે કેરી, મરચા, જીરૂ અને રાયના પાકને પણ નુકશાન થયુ છે. જો કે હવામાન ખાતાએ તા.૬ સુધી સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા પડશે તેવી આગાહી કરી છે. 


કલ્યાણપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે આજે સવારે ૮ થી ૧૦ દરમ્યાન કાડા ડીબાંગ વાદળા વચ્ચે મેઘરાજાએ વરસાદ શરૂ કર્યો હતો અને જોતજોતામાં ૧ ઇંચ વરસાદ પડી ગયો હતો. આ વરસાદથી રસ્તા પર પાણી ચાલ્યા ગયા હતા અને કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી ઓચિંતા વરસાદને કારણે કલ્યાણપુરમાં ખેતીના પાકને ભારે નુકશાન થયુ છે. અને કલ્યાણપુરના આજુબાજુના ગામડાઓમાં અડધાથી પોણો ઇંચ જેટલો વરસાદ પડયો છે અને હજુ કેટલાક ગામડાઓમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામમાં ચાલી રહેલી ગીરીબાપુની શીવકથા આજે વરસાદને કારણે એક દિવસ બંધ રહી છે તેવુ આયોજકોએ જાહેર કર્યું છે. પીંડારામાં પણ ભારે ઝાપટા પડયા છે. 


ખંભાળીયામાં ગઇકાલે ભારે ઝાપટા પડયા બાદ આજે ૧૬ મી.મી. એટલે કે અડધો ઇંચ વરસાદ પડયો છે સવારના ૮ થી ૧૦ દરમ્યાન વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. અને આ લખાય છે ત્યારે હજુ વધારે વરસાદ પડે તેવી શકયતા છે. આ લખાય છે ત્યારે આજુબાજુના પંથકના ગામડાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે. 


વેસ્ટર્ન ડીસ્ટબન્સ અને સાયકલોનીક સર્કયુલેશનના કારણે ગઇકાલે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો અને થોડીવારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ભર ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અને આજે પણ જોરદાર ઝાપટા શરૂ થયા છે. આ ઉપરાંત ઓખા મંડળ વિસ્તારમાં મીઠાપુર, આરંભડા, દ્વારકા, સુરજકરાડી, ખટીયા અને લીંબડીમાં પણ આ લખાય છે ત્યારે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જો કે હવામાન ખાતાએ સૌરાષ્ટ્રમાં તા.૬ સુધી ઝાપટા પડશે તેવી આગાહી કરી છે. કમોસમી વરસાદને કારણે ખેડુતોને ભારે નુકશાન થયુ છે. અસહ્ય ગરમી વચ્ચે ઓચિંતુ ચોમાસા જેવુ વાતાવરણ ઉભુ થયુ છે. જેથી ખેડુતો ચિંતામાં મુકાઇ ગયા છે. 


જામનગર શહેરની વાત લઇએ તો ગઇકાલે સવારે પણ જામનગરમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને આજે સવારે કેટલાક વિસ્તારમાં ઝાપટા પડયા હતા જેનાથી રાજમાર્ગો ભીના થયા છે. આ લખાય છે ત્યારે ૧૦.૧૫ વાગ્યે શહેરમાં વરસાદી ડહોળ જોવા મળે છે અને હજુ પણ ઝાપટા પડે તેવી શકયતા છે. 

ઓચિંતા વરસાદથી કેટલોક તૈયાર થયેલો પાકને  પણ નુકશાન થયુ છે. માર્કેટીંગ યાર્ડમાં જે તૈયાર થયેલા પાક ઉપર કવર ઢાંકવામાં આવ્યા ન હતા ત્યાં પણ થોડુઘણુ નુકશાન થયુ છે. આમ માવઠાએ લોકોને ચિંતાતુર કરી દીધા છે. 


જામનગર સહિત સમગ્ર હાલારમાં અનેક ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. મહતમ તાપમાન ૩૧ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૨૩ ડીગ્રી રહ્યું હતું. ગઇકાલે કેટલાક ગામડાઓમાં ભારે પવન ફુંકાયો હતો. ઓચિંતા વાતાવરણમાં ફેરફાર થવાથી લોકો ચિંતામાં મુકાઇ ગયા છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાયકલોનીક સર્કયુલેશનના કારણે આજે આખો દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માવઠુ થશે. 


​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News