જાપાનના કુમામોટો શહેરની ઠંડી સવારમાં જ્યારે ઓફિસ કર્મચારીઓ હેલ્મેટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરીને પોતાની ઓફિસ ચેર પર લાઈનમાં ઉભા રહે છે, ત્યારે દ્રશ્ય કોઈ ફિલ્મી સીન જેવું લાગે છે. હોર્ન વાગતાની સાથે જ આ ખુરશીઓ આગળ નહીં પણ પાછળની તરફ દોડવા લાગે છે. આ રમતનું નામ છે 'ઈસૂ-1 ગ્રાન્ડ પ્રિક્સ' (Isu-1 Grand Prix), જે જાપાનમાં અત્યંત લોકપ્રિય થઈ રહી છે.
શું છે આ રમત અને તેના નિયમો?
આ રેસિંગમાં ફોર્મ્યુલા-1 જેવો જ રોમાંચ જોવા મળે છે. તેમાં ત્રણ સભ્યોની એક ટીમ હોય છે, જેણે બે કલાક સુધી સતત ખુરશી પર બેસીને લેપ પૂરા કરવાના હોય છે. ખુરશીને પગ વડે પાછળની તરફ ધક્કો મારીને આગળ વધારવાની હોય છે. વિજેતા ટીમો બે કલાકમાં અંદાજે 20 થી 25 કિલોમીટર જેટલું અંતર કાપે છે. F1 ની જેમ જ અહીં પણ પિટ સ્ટોપ હોય છે જ્યાં ખેલાડીઓ બદલાય છે. રેસર્સ માટે હેલ્મેટ, એલ્બો પેડ્સ અને ની-પેડ્સ પહેરવા ફરજિયાત છે.
શિક્ષકની ખીજમાંથી જન્મ્યો આ અનોખો વિચાર
આ ખેલના સ્થાપક ત્સુયોશી તાહારા છે. તેમણે વર્ષ 2010 માં ક્યોટોમાં પહેલીવાર આ રેસ યોજી હતી. બાળપણમાં જ્યારે તેઓ ઓફિસ ચેર સાથે રમી રહ્યા હતા ત્યારે એક શિક્ષકે તેમને ખીજાઈને રોક્યા હતા. તે જ યાદમાંથી પ્રેરણા લઈને તાહારાએ આ રમત શરૂ કરી. આજે ટોક્યો, શિઝુઓકા અને ક્યોટો જેવા 10 શહેરોમાં આ સ્પર્ધા યોજાય છે અને ટોયોટા જેવી મોટી કંપનીઓ પણ પોતાની ટીમો મોકલે છે.
પોલીસથી લઈને સેનાના જવાનો પણ લે છે ભાગ
આ રેસમાં માત્ર ઓફિસ વર્કર્સ જ નહીં, પરંતુ પોલીસ ઓફિસરો, ફાયર ફાઈટર્સ અને જાપાની સેનાના જવાનો પણ ભાગ લેતા જોવા મળ્યા છે. તાહારાનું સપનું છે કે એક દિવસ આ રેસ મોનાકોના એ જ સર્કિટ પર યોજાય જ્યાં દુનિયાની સૌથી મોંઘી ફોર્મ્યુલા-1 રેસ રમાય છે.
ઇનામમાં મળે છે ચોખા અને માછલી
આ સ્પર્ધાના ઇનામો પણ તેના જેવી જ અનોખા છે:
પ્રથમ ઇનામ: વિજેતા ટીમને 90 કિલોગ્રામ ચોખા આપવામાં આવે છે, જે જાપાનમાં પવિત્ર અને વહેંચવામાં સરળ માનવામાં આવે છે.
ટોક્યો સ્પેશિયલ: ટોક્યોમાં યોજાતી રેસમાં વિજેતાને 5 કિલોગ્રામ ટુના માછલી ઇનામમાં મળે છે.
વ્યસ્ત જીવનમાં રાહતની ક્ષણ
જાપાનમાં કામનું કલ્ચર ઘણું કડક છે. તાહારાના મતે આ રમત લોકોને થોડીવાર માટે ઓફિસના ગંભીર વાતાવરણમાંથી બહાર કાઢીને બાળપણની યાદોમાં લઈ જાય છે. લોકો ઉંમર વધવા છતાં આવી 'મૂર્ખામીભરી' પણ આનંદદાયક પ્રવૃત્તિમાં પૂરા જોશથી ભાગ લઈને પોતાના સ્ટ્રેસને દૂર કરે છે.