જામનગરમાં સ્વચ્છતાનો ભંગ કરતી નોનવેજની બે હોટલો કરાઇ સીલ
ફુડ શાખાએ ડીફેન્સ કોલોની વિસ્તારમાં ચેકીંગ ડાઇવ કરીને ખાન ફીશ અને ચીકન તેમજ એ-વન બોમ્બે ચીકનની દુકાનો સીલ કરી
જામનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાએ શહેરમાં આરોગ્યપ્રદ ખાદ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા હાથ ધરેલી તપાસ દરમિયાન સ્વચ્છતાના ધારા-ધોરણોનું પાલન નહી કરતી બે નોન-વેજ દુકાનો સામે કડક કાર્યવાહી કરી છે. બંને દુકાનોમાં વેચાણ બંધ કરાવી સીલ મારવામાં આવ્યા છે.
ફૂડ સેફ્ટી ઓફિસર નિલેશ જાસોલીયા, દશરથભાઈ પરમાર તથા તેમની ટીમ દ્વારા વોર્ડ નં. ૬ના ડિફેન્સ કોલોની વિસ્તારમાં વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાન ફિશ એન્ડ ચિકન અને એ-વન બોમ્બે ચિકન નામની દુકાનોમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટની કલમ-૪ મુજબ જરૂરી સ્વચ્છતા અને આરોગ્યપ્રદ સ્થિતિ જળવાતી ન હોવાનું સામે આવતા બંને સ્થળોએ તાત્કાલિક અસરથી વેચાણ બંધ કરાવી દુકાનોને સીલ કરવામાં આવી હતી.
આ જ અભિયાન દરમિયાન ઢીંચડા રોડ વિસ્તારમાં આવેલી અન્ય પાંચ ખાદ્ય વેપારી સંસ્થાઓની પણ મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં કેટલીક ખામીઓ નજરે પડતાં સંબંધિત વેપારીઓને સ્થિતિમાં તાત્કાલિક સુધારો લાવવા માટે મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી.
તપાસ દરમિયાન તમામ સ્થળોએ ફૂડ લાયસન્સની ચકાસણી પણ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ ચેકિંગ કરાયેલા તમામ ધંધાર્થીઓ પાસે જરૂરી લાયસન્સ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું હતું.
ફૂડ સેફ્ટી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં આવનારા દિવસોમાં પણ ચેકિંગ અભિયાન ચાલુ રહેશે. જ્યાં પણ નિયમોનો ભંગ અથવા આરોગ્યને જોખમકારક સ્થિતિ જોવા મળશે ત્યાં કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.શહેરના અનેક વિસ્તારોમાં ખાણી-પીણીની રેકડીઓ અને ખુલ્લામાં વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે વારંવાર પ્રશ્નો ઊભા થતા રહ્યા છે.
નાગરિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે ફૂડ સેફ્ટી વિભાગે આવા સ્ટ્રીટ ફૂડ વેચાણકારો પર પણ વિશેષ ચેકિંગ હાથ ધરી અખાદ્ય અને આરોગ્યને હાનિકારક ખાદ્યપદાર્થોના વેચાણ પર અંકુશ લાવવો જોઈએ.
તંત્રની આ કાર્યવાહીથી ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ચેતના ફેલાઈ છે, અને ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ ગયો છે.