ખંભાળીયા: ભાણવડના ઝારેરા ગામ પાસેથી ગેરકાયદેસર બેલા ભરેલો ટ્રક ઝડપાયો
૮ ટન વજનના ૪૦૦ સફેદ પથ્થર (બેલા) સાથે એક ઇસમની અટકાયત કરતી એલસીબી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ ચોરી નાબૂદ કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) ની ટીમે ભાણવડ તાલુકાના ઝારેરા ગામ પાસેથી રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સફેદ પથ્થર (બેલા) નું પરિવહન કરતા એક ટ્રકને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના હેઠળ એલ.સી.બી. પીઆઈ એન.એચ. જોષીના માર્ગદર્શનમાં પીએસઆઈ બી.એમ. દેવમુરારી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એલસીબીના જવાનોને સંયુક્ત બાતમી મળી હતી કે ભવનેશ્વર ગામ તરફથી ઝારેરા ગામ તરફ જતા રોડ પર એક ટ્રક ગેરકાયદેસર ખનીજ ભરીને પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને જીજે-૧૨-વી-૮૧૯૨ નંબરના ટ્રકને અટકાવ્યો હતો.
તપાસ દરમિયાન ટ્રકમાંથી કોઈપણ જાતના રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવી રહેલા આશરે ૮ ટન વજનના ૪૦૦ નંગ સફેદ પથ્થર (બેલા) નો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ભાણવડ તાલુકાના ઢેબર ગામના રહેવાસી ૩૮ વર્ષીય ડ્રાઇવર અજીત સુલેમાન હીંગોરાની અટકાયત કરી છે અને પકડાયેલા મુદ્દામાલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખનીજ વિભાગ (ખાણ ખનીજ કચેરી, દેવભૂમિ દ્વારકા) ને આગળનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.