BREAKING NEWS

દ્વારકામાં લારી રાખવા બાબતે યુવાન સહિત ત્રણ પર હુમલો

  • April 18, 2026 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં લારી રાખવા બાબતે યુવાન સહિત ત્રણ પર હુમલો


ત્રણ શખ્સો સામે ફરિયાદ : મને ઓળખો છો, હું કોણ છું... એવી શેખી મારી 


દ્વારકામાં એક મહાદેવના મંદિર પાસે ઊભા રહેતા લારીવાળાઓ સાથે લારી રાખવા બાબતે દ્વારકાના રહીશ ધવલ જટાણીયા સહિતના ત્રણ શખ્સોએ બઘડાટી બોલાવી, અહીં રહેલા બે વ્યક્તિઓને બેફામ માર મારી, દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.


આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા શ્યામભાઈ અલ્કેશભાઈ સીમરીયા નામના ૨૨ વર્ષના લોહાણા યુવાને દ્વારકાના ધવલ જટાણીયા, તેના ભાઈ જય જટાણીયા અને તેના માસીના દીકરા મનોજ સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે શુક્રવારે સાંજના સમયે દ્વારકામાં ભડકેશ્વર મહાદેવના મંદિર પાસે જઈને અહીં રહેલા દીપુભાઈ અવસ્તી તથા સચિનભાઈ ત્રિવેદી તેમની લારી રાખીને ઉભા હતા અને ચણા વેચતા હતા, ત્યારે ધવલ જટાણીયા, તેનો ભાઈ જય અને માસીનો દીકરો મનોજ એમ ત્રણ શખ્સો અહીં આવ્યા હતા અને ધવલએ કહેલ કે "તને કોનો પાવર છે? અને તું કેમ બધાને લારી રાખવા માટે ભલામણો કરાવે છે?" તેમ કહી આ શખ્સો એ દીપુભાઈને આડેધડ માર માર્યો હતો. અહીં સાથે રહેલા સચિનભાઈ ત્રિવેદીએ મોબાઈલમાં વિડીયો ઉતારતા ધવલએ સચિનનો મોબાઈલ તેમના હાથમાંથી ઝૂંટવીને ફેંકી દીધો હતો અને ધવલએ સચિનને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો.


આ અંગેની જાણ કરવામાં આવતા દીપુભાઈના ભાઈ શિવમ અવસ્તી અને તેમના સાળા શ્યામભાઈ સીમરીયા અહીં આવ્યા હતા. જ્યાં તેઓએ ધવલને સમજાવવા જતાં તેણે કહેલ કે "તમારે બંનેને શું છે? મને ઓળખો છો હું કોણ છું? તમારે બંનેને દ્વારકામાં રહેવું છે ને?"- તેમ કહી અને બંનેને બિભત્સ ગાળો કાઢી, ધવલે તેના હાથમાં પહેરેલું કડુ શ્યામભાઈ સીમરીયાને મોઢા ઉપર મારતા તેમને લોહી લોહાણ હાલતમાં દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. 


આમ, આ સમગ્ર બનાવમાં લારી રાખવા બાબતનો ખાર રાખી, ધવલ જટાણીયા, જય જટાણીયા અને મનોજ નામના ત્રણેય આરોપીઓએ દીપુભાઈ અને સચિનભાઈને બેફામ માર માર્યાની તથા સમજાવવા આવેલા શ્યામભાઈને પણ માર મારી, ઈજાઓ કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.


આ બનાવ સંદર્ભે પોલીસે બી.એન.એસ.ની કલમ ૧૧૮ (૧), ૧૧૫(૨), ૩૫૨ તથા ૫૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. એલ.કે. કાગડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News