દેવભૂમિ દ્વારકા: ત્રણ પ્રોહીબીશન ગુન્હાના નાસતા ફરતા આરોપીને મોરઝર ગામેથી પકડી પાડતી દ્વારકા એલસીબી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા ખાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબીશનના ત્રણ અલગ-અલગ ગુન્હાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા એક આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા અને તેમની ટીમ સતત વર્કઆઉટમાં હતી.
આ દરમિયાન એલ.સી.બી. ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા અને વેજાણંદભાઇ બેરાને ચોક્કસ બાતમી મળી હતી કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને ખંભાળીયા પોલીસ સ્ટેશન તેમજ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હાઓમાં લાલશાહીથી ખેંચેલ (વોન્ટેડ) આરોપી હાલ મોરઝર ગામે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક મોરઝર ગામ ખાતે દરોડો પાડીને વિજયભાઇ ઉગાભાઇ બગડા (ઉંમર વર્ષ ૩૭, ધંધો ખેતી, રહે. મોરઝર ગામ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા) નામના આરોપીને ઝડપી લીધો હતો.
પકડાયેલ આરોપી વિજય બગડા સામે વર્ષ ૨૦૨૫માં ભાણવડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમ ૬૫(એ-એ), ૧૧૬(બી), જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમ ૬૫(એ-એ), ૮૧ તેમજ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમ ૬૫(એઇ), ૮૧, ૯૮(૨) મુજબ ગુન્હાઓ નોંધાયેલા હતા અને તે પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો.
એલ.સી.બી.ની ટીમે આરોપીને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે. આ સમગ્ર સફળ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. એન.એચ. જોષી, પી.એસ.આઇ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા તેમજ હેડ કોન્સ. શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, વેજાણંદભાઇ વેરા અને મુકેશભાઇ કેસરીયા સહિતનો સ્ટાફ જોડાયેલો હતો.