જામનગર : જામજોધપુર અને લાલપુરમાં જનતાનો આપ પર અતૂટ વિશ્વાસ
લાલપુર તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીનો કબજો: ૧૮ બેઠકોમાંથી ૧૦ પર ભવ્ય જીત
સ્થાનિક સ્વરાજની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જામજોધપુર અને લાલપુર તાલુકાના મતદારોએ પરિવર્તન પર મહોર મારી છે. આમ આદમી પાર્ટીએ જનતાના આશીર્વાદથી ભવ્ય વિજય મેળવ્યો છે, જેમાં ધારાસભ્ય હેમંત ખવાની લોકપ્રિયતા અને સેવાકીય કાર્યોનો ફરી એકવાર વિજય થયો છે.
હેમંત ખવા માટે ચૂંટણી એ સત્તા મેળવવાનું સાધન નહીં પણ જનસેવાનો માર્ગ રહ્યો છે. છેલ્લા ૧૧ વર્ષોમાં તેઓ માર્કેટિંગ યાર્ડ, તાલુકા સંઘ, જામનગર ડિસ્ટ્રિકટ બેંક અને વિધાનસભા જેવી તમામ પ્રતિષ્ઠિત ચૂંટણીઓ લડ્યા અને દરેક વખતે જનતાએ તેમને ખોબલે-ખોબલે મત આપી વિજેતા બનાવ્યા છે. આ ચૂંટણીમાં પણ મતદારોએ તેમના પર વિશ્વાસ મૂકીને આ અજેય પરંપરા જાળવી રાખી છે.
જામજોધપુર અને લાલપુર વિધાનસભાની જિલ્લા પંચાયતની ૮ પૈકી ૩ બેઠકો પર આપનો વિજય થયો છે. જેમાં મોટી ગોપ બેઠક પર સત્તા સામે જનશક્તિનો વિજય થયો છે. આ જીત ઐતિહાસિક છે કેમકે આ બેઠક પર એકબાજુ હેમંત ખવા અને બીજી બાજુ આખા જિલ્લાનું ભાજપ મેદાને હતું. પરંતુ, લોકોની લાગણી અને અતૂટ વિશ્વાસને કારણે ધારાસભ્યના પરિવારે આ બેઠક પર પાંચમી વખત ભવ્ય વિજય મેળવ્યો છે. અહીં તેમના માતા સાજીબેન હરદાસભાઈ ખવા વિજેતા બન્યા છે. આ ઉપરાંત ભણગોર બેઠક પર પરબત ધના ગાગિયા અને પીપરટોડા બેઠક પર રમેશભાઈ સુતરીયાએ પણ મતદારોનો વિશ્વાસ જીતીને જીત મેળવી છે.
જામજોધપુર લાલપુર વિધાનસભામાં સમાવિષ્ટ કુલ ૩૬ બેઠકોમાંથી ૧૭ બેઠકો પર આપ ના ઉમેદવારો વિજયી બન્યા છે. લાલપુર તાલુકા પંચાયત પર લોકોનું શાસન પ્રસ્થાપિત થયું છે જેમાં લાલપુર તાલુકા પંચાયતની કુલ ૧૮ માંથી ૧૦ બેઠકો પર વિજય મેળવીને આમ આદમી પાર્ટીએ જનતાના આશીર્વાદથી અહીં સ્પષ્ટ બહુમતી સાથે કબજો મેળવ્યો છે તેમજ જામજોધપુર તાલુકા પંચાયત કુલ ૧૮ માંથી ૭ બેઠકો પર વિજય મેળવી આપ એ મજબૂત પકડ સાબિત કરી છે.
હેમંત ખવાની લોકો સાથે મળવાની સહજતા અને જમીની સ્તરના પ્રશ્નો માટેની લડતને કારણે વિરોધીઓના તમામ ગણિતો નિષ્ફળ રહ્યા છે. લાલપુર અને જામજોધપુરના મતદારોએ સાબિત કરી દીધું છે કે તેઓ કામ કરનારા અને લોકોના સુખ-દુ:ખમાં ભાગીદાર બનતા નેતાની સાથે જ છે.
આ ઐતિહાસિક વિજય બાદ સમગ્ર પંથકમાં કાર્યકરો અને સામાન્ય જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ આ જીતને હેમંત ખવા પ્રત્યેની પોતાની લાગણીનો વિજય ગણાવ્યો છે.