ખંભાળીયા: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રૂ. ર.ર૪ લાખના ૧૧ મોબાઇલ મુળ માલિકને પરત સોંપતી કલ્યાણપુર પોલીસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલી કે ચોરી થયેલી કિંમતી વસ્તુઓ શોધી કાઢીને તેના અસલી માલિકો સુધી પહોંચાડવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના તેમજ દ્વારકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. હાથલીયા અને તેમની ટીમ દ્વારા આ દિશામાં સઘન કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન કલ્યાણપુર પોલીસ સ્ટાફ દ્વારા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે આધુનિક ટેકનિકલ એનાલીસીસ અને કેન્દ્રીય પોર્ટલ એપ્લિકેશનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટેકનોલોજીની મદદથી પોલીસે ટૂંકા સમયમાં કુલ ૧૧ નંગ મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મેળવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. ૨,૨૪,૯૮૬ જેટલી થાય છે. આ સિવાય પોલીસે રૂ. ૫૫,૦૦૦ની રોકડ રકમ પણ રિકવર કરી હતી.
આ રીતે શોધી કઢાયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકોને સન્માનપૂર્વક પાછો આપવા માટે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ નામના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ અને પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. હાથલીયાની ઉપસ્થિતિમાં તમામ ૧૧ મોબાઈલ ફોન અને રૂ. ૫૫,૦૦૦ની રોકડ તેના અસલી માલિકોને રૂબરૂ બોલાવીને સુપ્રત કરવામાં આવ્યા હતા. પોતાની ખોવાયેલી કિંમતી વસ્તુઓ અને મહેનતની કમાણી પાછી મળતા નાગરિકોએ કલ્યાણપુર પોલીસની સરાહનીય કામગીરી અને ત્વરિત કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.