સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 નો નવો કાયદો અમલમાં આવ્યાને બે વર્ષ જેટલો સમય પસાર થઈ જવા છતાં આ કાયદાની કલમ 16 નીચે જુદી જુદી પેટા કલમો હેઠળ નિયુક્ત કરવાની થતી મહત્વના સત્તા મંડળોમાં ઘણી જગ્યા ખાલી પડી છે. કાયદાની જોગવાઈ હોવા છતાં પ્રિન્સિપાલો અને પ્રોફેસરોને આવા સત્તા મંડળોમાં લેવામાં આવ્યા નથી તેવી મતલબની રીટ હાઇકોર્ટમાં કરવામાં આવ્યા પછી હાઇકોર્ટની સૂચનાના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેના સત્તા મંડળોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરી છે અને તેમાં શિક્ષકોની પણ પસંદગી કરી છે.
રાજ્યની વડી અદાલતમાં આ સંદર્ભે ડોક્ટર નિદત બારોટે કરેલી રિટના સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એવું સોગંદનામુ રજૂ કર્યું હતું કે અમે ડિસેમ્બર સુધીમાં આ તમામ જગ્યાઓ ભરી દઈશું, હાઈકોર્ટમાં આપેલ ખાતરી મુજબ ડિસેમ્બરના બદલે એક મહિનો વહેલી એટલે કે નવેમ્બર માસમાં જ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ખાલી પડેલી જગ્યાઓ ભરી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સૌથી મહત્વનું સત્તા મંડળ બોર્ડ ઓફ મેનેજમેન્ટ હોય છે અને તેમાં નવી પાંચ નિમણૂક કરવામાં આવી છે. એમ. એન. જીવાણી, સી. કે. કુંભારાણા, નીપા ગાંધી, બી.કે.કલાસવા અને ક્રિષ્ના દૈયાને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
એકેડેમી કાઉન્સિલમાં જે 11 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે તેમાં કે.એચ. મહેતા, નીતાબેન ઉદાણી, એસ.ડી.મોરી, કે.ડી.લાડવા, એન.પી.બારોટ, જે.કે. ડોડીયા, સંજય મુખરજી, બી. જે. પટેલ, મિલન એસ. વાડોદરિયા, જીગ્નેશ ઉપાધ્યાય અને હર્ષિદા જાગોદડિયાનો સમાવેશ કરાયો છે.
બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડેમી કાઉન્સિલમાં કરવામાં આવેલી આ તમામ નિમણૂકોની સમય મર્યાદા નિમણૂકની તારીખથી અઢી વર્ષ માટેની અથવા તો 62 વર્ષની થાય ત્યાં સુધીની હોય છે. નવી નિમણૂકમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં એન્ટ્રી થઈ છે નવી કાયદાની જોગવાઈ અમલમાં આવ્યા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના રાજકારણમાંથી અને સત્તા મંડળમાંથી શિક્ષકોનો કાંકરો કાઢી નાખવામાં આવ્યો હતો પરંતુ ફરી શિક્ષકોને બંને સત્તા મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.