જામનગરમાં તાજીયા પડમાં: આવતીકાલે યૌમે આશુરા
આજે આખી રાત નિયત રૂટ પર તાજીયા ફરશે: આવતીકાલે શુક્રવારે રાત્રે ટાઢા કરવામાં આવશે: મહોર્રમ નિમિતે ઠેર ઠેર ન્યાજ-સરબતનું વિતરણ: કરબલાના શહીદોની બેજોડ કુરબાનીને યાદ કરીને અપાશે અશ્રુઓની અંજલિ: શહેર-જિલ્લામાં પ૦૦ જેટલા કલાત્મક તાજીયા બને છે: ખંભાળીયા, સલાયા, સહિત હાલારભરમાં નીકળશે તાજીયા
શહીદ-એ-આઝમ, ઇમામ-એ-આલી મકામ, નવાસા-એ-નબી, ઔલાદ-એ-અલી, ખાતુન-એ-જન્નતના લાલ હઝરત ઇમામ હુસેન(ર.અ.)અને કરબલાનાં શહીદોની મહાનતમ શહાદતને યાદ કરવાના મહોર્રમ માસની આજે ૯ તારીખ છે અને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આજે બપોરે તાજીયા પડમાં આવશે, આખી રાત નિયત રૂટ પર ફરશે, આવતીકાલે ટાઢા કરવામાં આવશે, બે દિવસ દરમ્યાન જામનગર, ખંભાળીયા, સલાયા સહિતના હાલારભરમાં મુસ્લિમ સમાજ દ્વારા કરબલાનાં શહીદોને અશ્રુઓની અંજલિ આપવામાં આવશે, અત્રે નોંધનીય છે કે શહેર-જિલ્લામાં અંદાજે ૫૦૦ જેટલા કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે.
મહોર્રમ માસની ૧ તારીખથી શહીદ-એ-આઝમ અને કરબલાનાં શહીદોને યાદ કરવાના કાર્યક્રમ શરૂ થઇ ગયા હતા, જુદા જુદા સ્થળે વાએઝ, મજલીસના કાર્યક્રમો યોજાયા હતા. શહીદોની ભૂખ અને તરસને યાદ કરવા માટે ન્યાઝ-સરબતનાં વિતરણ કરવામાં આવ્યા હતા અને આ દિવસો દરમ્યાન ગરીબોને સખાવત આપવા સહિતની ઇબાદતો કરવામાં આવી હતી.
આજે પ્રતિવર્ષની જેમ બપોરે શહીદોની યાદ માટે બનતા કલાત્મક તાજીયાઓ પડમાં આવશે, નિયત રૂટ પર તાજીયા ફરશે, આજે આખી રાત દરબારગઢ, પટણીવાડ, બેડી, સહિતના વિસ્તારોમાં તાજીયાઓના સરઘસ નીકળશે, આ ઉપરાંત ખંભાળીયા, સલાયા, દ્વારકા, પોરબંદર સહિતના તાલુકા વિસ્તારોમાં પણ તાજીયા પડમાં આવશે. અને આવતીકાલે ટાઢા કરવામાં આવશે.
શુક્રવાર તા.૨૬ એટલે કે આવતીકાલે યૌમે આશુરાનો દિવસ છે, યોગાનુયોગ આ દિવસ શુક્રવાર એટલે કે જુમ્માના દિવસે આવ્યો હોવાથી તેનું મહત્વ ખુબ વધી ગયુ છે અને એટલા માટે જ મુસ્લિમ સમાજના ભાઇ બહેનો આવતીકાલના દિવસે કરબલાના શહીદોને યાદ કરીને ઇબાદત કરશે, ન્યાજનાં વિતરણ થશે.
યૌમ આશુરાના દિવસે ફજરની નમાજ બાદ જુમ્માના ખુત્બા પહેલા સુધી નફીલ નમાજો મસ્જીદોમાં અદા કરવામાં આવશે, ત્યારબાદ બપોર પછી જે નકકી રૂટ હશે તેના પર તાજીયા ફરશે અને જામનગર સહિત હાલાર તેમજ સૌરાષ્ટ્ર, ગુજરાતમાં મહોર્રમના માતમને મનાવવામાં આવશે, યા હુસેન....યા હુસેનના નારા ગુંજી ઉઠશે.
ઇમામ-એ-આલીમ, હઝરત ઇમામ હુસેન અને કરબલાના ૭૨ શહીદોએ ય ઝીદ, પલીત, મરદુદની હકુમત સામે વશ ન થઇને અલ્લાહની રાહમાં બેજોડ કુરબાની આપી હતી, યઝીદે પોતાની હકુમતમાં શરાબખોરી, આડા સંબંધો, વ્યાજખોરી, જુઆખોરી, સહિતની તમામ પ્રકારની બદીઓને કાયદેસર બનાવી દીધી હતી અને ચારેકોર કુર્ફનો આલમ ફેલાઇ રહ્યો હતો, આ યઝીદની જુલ્મગાર હકુમત સામે નવાસા-એ-નબી હઝરત ઇમામ હુસેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તમામ પ્રકારની બદીઓથી લોકોને બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો, આ હકની રાહ યઝીદને મંજુર નહિ હોવાથી તેને પોતાની સેના મોકલીને કરબલામાં ઇમામ હુસેન અને ૭૨ શહીદોને નિર્દયતાથી કત્લ કરવામાં આવ્યા હતા.
છેલ્લા ૧૦ દિવસ દરમ્યાન જુદા જુદા સ્થળે થયેલા વાએઝ વગેરેમાં શહીદોની શહાદતને યાદ કરવા માટે લોકો સમક્ષ બયાન કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી કરબલાના શહીદોને પાણી પણ મળ્યું નહિ હોવાથી અને યઝીદની સેનાએ પાણી પણ બંધ કર્યું હોવાના કારણે ખાસ કરીને મહોર્રમના દિવસો દરમ્યાન એ તરસને યાદ કરવા સરબતનું વિતરણ કરવામાં આવે છે.
જામનગર સહિતના હાલાર ભરમાં આજથી બે દિવસ સુધી મહોર્રમ નિમિતે જુદા જુદા કાર્યક્રમો યોજાશે, પોલીસ દ્વારા પણ તાજીયાનાં રૂટ સહિતનાં વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તાજીયાના જુલુસમાં કોઇએ છરી, તલવાર જેવા હથિયારો રાખવા નહિં:
આજે તાજીયા પડમાં આવશે ત્યારે જામનગરની સુન્ની મુસ્લિમ જમાત દ્વારા શહેરનાં સુન્ની મુસ્લિમોને જાણ કરવામાં આવી છે કે તાજીયાના જુલુસ દરમ્યાન કોઇપણ વ્યકિત અથવા તાજીયા કમીટીવાળાઓએ ધમાલ કે અખાડા દરમ્યાન છરી, તલવાર, ચપ્પુ જેવા કોઇપણ પ્રકારના હથિયાર રાખવામાં આવે નહિ તેની સખત મનાઇ ફરમાવવામાં આવે છે. જો કોઇ વ્યકિત તેનો ભંગ કરશે તો પોલીસ તંત્ર દ્વારા એ વ્યકિત સામે કાયદેસરની ફરિયાદ કરીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે. આથી તમામ વ્યકિતઓએ હથિયાર ધારણ કરવાથી દૂર રહેવું.