ભારતના ફૂટબોલ ચાહકો માટે ચિંતાજનક સમાચાર છે કે 2026 ના ફિફા વર્લ્ડ કપના પ્રસારણ માટે હજુ સુધી કોઈ બ્રોડકાસ્ટર સાથે સોદો ફાઈનલ થયો નથી. ફિફા (FIFA) અને ભારતીય બ્રોડકાસ્ટર્સ વચ્ચે રકમ બાબતે ચાલી રહેલી ખેંચતાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
ક્યાં અટકી છે વાત?
રિપોર્ટ્સ અનુસાર, આ વખતે સોદો ન થવા પાછળનું મુખ્ય કારણ ફિફાની મોટી રકમની માંગ છે. JioHotstar એ વર્લ્ડ કપ 2026 માટે અંદાજે 20 મિલિયન ડોલરની ઓફર કરી છે. જ્યારે ફિફા આ અધિકારો માટે અંદાજે 100 મિલિયન ડોલર (આશરે ₹800 કરોડથી વધુ) ની માંગ કરી રહ્યું છે. સોની (Sony) એ પણ આ બાબતે વાતચીત કરી હતી, પરંતુ અંતે તેમણે ઓફર આપવાનો ઇનકાર કરી દીધો છે.
પહેલા કેટલામાં થયો હતો સોદો?
વર્ષ 2022 માં કતારમાં યોજાયેલા વર્લ્ડ કપ માટે Jio Cinema એ અંદાજે 60 મિલિયન ડોલરમાં રાઈટ્સ ખરીદ્યા હતા. આ વખતે ફિફા આનાથી વધુ રકમની અપેક્ષા રાખી રહ્યું છે, પરંતુ ભારતીય કંપનીઓ એટલો મોટો ખર્ચ કરવા તૈયાર નથી.
ભારતમાં ડીલ મુશ્કેલ હોવાના કારણો
નિષ્ણાતો માને છે કે ભારતમાં આ ડીલ ફાઈનલ ન થવા પાછળ કેટલાક વ્યવહારુ કારણો પણ જવાબદાર છે. જેમાં વર્લ્ડ કપ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજાવાનો છે, જેના કારણે ભારતમાં મેચોનું પ્રસારણ મોડી રાત્રે અથવા વહેલી સવારે થશે. આ ઉપરાંત ભારતમાં ફૂટબોલ હજુ પણ સીમિત દર્શકોની રમત ગણાય છે, જેના કારણે જાહેરાત બજારમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી.
ચીનમાં પણ આવી જ સ્થિતિ
માત્ર ભારત જ નહીં, ચીનમાં પણ હજુ સુધી કોઈ બ્રોડકાસ્ટ ડીલ ફાઈનલ થઈ નથી. અગાઉ ત્યાં CCTV અગાઉથી જ રાઈટ્સ ખરીદી લેતું હતું, પરંતુ આ વખતે ત્યાં પણ મડાગાંઠ સર્જાઈ છે.
હવે આગળ શું થશે?
ફિફાનું કહેવું છે કે ભારત અને ચીન બંને દેશોમાં બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ માટે વાતચીત ચાલુ છે. વિશ્વના 175 થી વધુ દેશોમાં ડીલ ફાઈનલ થઈ ચૂકી છે. ટૂર્નામેન્ટ 11 જૂનથી શરૂ થવાની છે, તેથી આગામી દિવસોમાં આ મામલે કોઈ મોટો નિર્ણય આવી શકે છે. જો જલ્દી ઉકેલ નહીં આવે, તો ભારતના કરોડો ફૂટબોલ ચાહકો આ મહાકુંભ જોવાથી વંચિત રહી શકે છે.