BREAKING NEWS

જામનગર : ભાણવડમાં કાળઝાળ ગરમી વચ્ચે એક જ દિવસમાં સાત સાપનું સફળ રેસ્ક્યુ

  • April 14, 2026 04:49 PM 
  

જામનગર : ભાણવડમાં કાળઝાળ ગરમી વચ્ચે એક જ દિવસમાં સાત સાપનું સફળ રેસ્ક્યુ


ભાણવડ પંથકમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાતા વન્યજીવો અને ખાસ કરીને સરિસૃપો ગરમીથી બચવા અને ઠંડકની શોધમાં રહેણાંક વિસ્તારો તરફ વળી રહ્યા છે. આવી જ એક ઘટનામાં ગઈકાલે ભાણવડ શહેરમાં એનિમલ લવર્સ અને જાણીતા રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટે ભારે જહેમત ઉઠાવીને અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ સાત સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.


જેમ-જેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તેમ જમીનની અંદર રહેતા સાપ જેવા સરિસૃપો અસહ્ય તાપને કારણે પોતાના દર છોડી બહાર નીકળી રહ્યા છે. ભાણવડના રહેણાંક વિસ્તારોમાં સાપ નીકળવાની ઘટનાઓ વધતા લોકોમાં ફાળ પડી હતી. જોકે, અશોકભાઈ ભટ્ટને આ અંગે જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને એક પછી એક સાત સાપને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી લીધા હતા.


રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ સાપોને માનવ વસ્તીથી દૂર બરડા ડુંગરના સુરક્ષિત અને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા. અશોકભાઈએ આ કામગીરી દ્વારા વન્યજીવ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ નિ:સ્વાર્થ સેવાને સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓએ બિરદાવી છે.


આ તકે અશોકભાઈ ભટ્ટે જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, ઉનાળાના દિવસોમાં તરસ અને ગરમીને કારણે વન્યજીવો અવારનવાર માનવ વસાહતોમાં જોવા મળતા હોય છે. આવા સમયે ગભરાવાને બદલે અથવા આ જીવોને નુકસાન પહોંચાડવાને બદલે તરત જ રેસ્ક્યુઅર કે વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ. વન્યજીવો પર્યાવરણનો અભિન્ન હિસ્સો છે અને તેમનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application