જામનગર: કાલાવડના સરવાણીયા ગામ પાસે યુવાન પર છરીબાજી
દારૂ પીવા ગયાને અગાઉના કેસના મામલે મીઠી વીરડીનો શખ્સ વિફર્યો
કાલાવડના સરવાણીયા ગામના કાચા રસ્તે દારૂ પીવા માટે ગયેલા શખ્સે અગાઉ પકડાવેલ છે એ બાબતની વાત કરીને ઉશ્કેરાઇ જઇ કાશ્મીરપરાના યુવાન પર છરી વડે હુમલો કરી ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે મીઠીવીરડી ગામના શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
કાલાવડના કાશ્મીરપરામાં રહેતા મજુરી કરતા વિશાલ દિનેશભાઇ પરમાર (ઉ.વ.૨૫) નામનો યુવાન ગઇકાલે બપોરના ૩ વાગ્યે તેના મિત્ર વિપુલને ઘરે મુકવા જતો હતો ત્યારે રસ્તામાં સાગર વાઘેલા મળ્યો હતો અને તેની પાસે દા હોવાનું પુછતા હા પાડી હતી અને કહેલ કે ચાલો આપણે ત્રણેય સરવાણીયા ગામના કાચા રસ્તે અશોકભાઇની વાડીએ દારૂ પીવા માટે જઇએ, દરમ્યાનમાં ફરીયાદી અને આરોપી વાતચીત કરતા હતા ત્યારે સાગરે ફરીયાદીને તે મને અગાઉ દારૂના કેસમાં પકડાવેલ છે. તેમ કહેતા ફરીયાદીએ ના પાડી હતી.
દરમ્યાનમાં આરોપી ઉશકેરાઇ જઇ અપશબ્દો બોલી તેની પાસે રહેલી છરી વડે હુમલો કરી ફરીયાદી વિશાલને હાથ અને દાઢીના ભાગે ઘા ઝીંકી ઇજા પહોચાડી હતી. વિશાલે આ બનાવ અંગે ટાઉન પોલીસમાં મીઠીવીરડી ગામના સાગર વાઘેલા નામના શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી.