દ્વારકાની પાવનભૂમિ પર આજથી પૂ. જીજ્ઞેશ દાદાના વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ
વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવો ઉજવાશે: રામ, કૃષ્ણ જન્મોત્સવ, શ્રીનાથજી ઝાંખી સહિતના કાર્યક્રમો યોજાશે
પાવનભૂમિ અને યાત્રાધામ દ્વારકામાં પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે આજથી પડધરીના ચગ પરિવાર દ્વારા એક ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જય જલારામ કિરાણા સ્ટોરવાળા રમેશચંદ્ર અમૃતલાલ ચગ, ચિરાગ રમેશચંદ્ર ચગ તથા પરાગ રમેશચંદ્ર ચગ પરિવાર દ્વારા પોતાના સર્વે પિતૃઓના મોક્ષાર્થે આ ધાર્મિક મહોત્સવનું આયોજન શહેરના સનાતન સેવામંડળ ખાતે કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય જીજ્ઞેશ દાદા (રાધે રાધે) બિરાજીને પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથામૃતનું રસપાન કરાવશે.
આ ધાર્મિક મહોત્સવની શઆત અંતર્ગત આજે બપોરે ૧ કલાકે દ્વારકાધીશના મંદિરેથી ભાગવતજીની એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે નગર ભ્રમણ કરીને કથા સ્થળે પહોંચી. ત્યારબાદ બપોરે ૪:૦૦ કલાકે સંતશ્રી કૈલાશગીરી બાપુ (શિવરાજગઢ) તથા મહંતશ્રી મુકેશગીરી બાપુ (રાંદલધામ દડવા)ના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કથાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. કથાનો સમય દરરોજ બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધીનો રહેશે. સપ્તાહ દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે, જેમાં તા. ૧૨મી જૂને શ્રીરામ જન્મ, શ્રીવામન જન્મ તથા શ્રીકૃષ્ણ જન્મ ઉત્સવ, તા. ૧૩મીએ ગોવર્ધન પૂજા તથા અન્નકૂટ મનોરથ, તા. ૧૪મીએ રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ અને તા. ૧૫મીએ સુદામા ચરિત્ર ઉત્સવની પૂર્ણાહુતિ બાદ દ્વારકાધીશજીની ધ્વજાજીનું પૂજન કરવામાં આવશે. જ્યારે તા. ૧૬મી જૂનના રોજ નારાયણ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ ભક્તિમય માહોલને વધુ રંગીન બનાવવા માટે ચગ પરિવાર દ્વારા દરરોજ રાત્રિના ૯:૦૦ કલાકે ગુજરાતના ખ્યાતનામ કલાકારોના સથવારે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે. જેમાં તા. ૧૦મી જૂને આસીફ જેરીયાના સથવારે શ્રીનાથજીની ઝાંખી, તા. ૧૧મીએ અશોકભાઈ ભાયાણીના સ્વરે રામધૂન (રામનામ કે હીરે મોતી), તા. ૧૨મીએ ગુજરાતના ખ્યાતિપ્રાપ્ત કલાકારો રાજભા ગઢવી, સાગરદાન ગઢવી તથા દેવાયતભાઈ ખવડના સથવારે ભવ્ય લોક ડાયરો જામશે. આ ઉપરાંત તા. ૧૩મીએ પદ્ધરીના આશાપુરા ગરબી મંડળ દ્વારા માતાજીના ગરબા અને સપ્તાહના અંતે તા. ૧૪મી જૂને પ્રસિદ્ધ ગાયિકા ગીતાબેન રબારીના સથવારે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ છે.