BREAKING NEWS

પીંડારામાં પુ.ગીરીબાપુના વ્યાસાસ્થાને શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ

  • April 07, 2026 05:53 PM 


પીંડારામાં પુ.ગીરીબાપુના વ્યાસાસ્થાને શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ


તા.૨૯-૩ થી તા.૬ ના કથાની પુર્ણાહુતિ કરાઇ: લોકડાયરો, ભવ્ય સંતવાણી, મહારાસ, કાન ગોપી રાસલીલા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા


દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક તીર્થધામ પિંડારા ખાતે સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય ગિરી બાપુના વ્યાસપીઠે ભવ્ય ’શિવ કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. સમુદ્રના કિનારે અને પ્રકૃતિના સાનિધ્યમાં યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે.


પીંડારામાં અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા તા.૨૯-૩ ચૈત્ર સુદ ૧૧ના રવિવારથી શિવકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહર્ષિ દુર્વાસા મુનિ આશ્રમ ખાતે કથા યોજાઇ હતી. આજે કથા પુર્ણાહુતિ કરવામાં આવી હતી. ૭ દિવસની આ કથામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથામાં વકતા તરીકે પ.પુ.શ્રી ગીરીબાપુ રહ્યા હતા. કથા દરમ્યાન અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય ક્ષેત્રના આગેવાનો, સામાજીક ક્ષેત્રના આગેવાનો તેમજ અનેક રાજયમાંથી સંતો, મહંતોએ ખાસ ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું.

 
આ શિવમહાપુરાણ કથામાં શ્રાવણ મહાત્મય, લીંગ પ્રાગટય, કાર્તિક-ગણેશ પ્રાગટય, બિલ્વપત્ર મહાત્મ્ય, દ્વાદશ જયોર્તિલિંગ તથા શિવમહાત્મ્ય, રૂદ્રાક્ષ મહાત્મય, ભસ્મ મહાત્મય, શિવ-પાર્વતી વિવાહ, સતી પ્રાગટય, સમુહ લગ્નોત્સવ, ભવ્ય સંતવાણી, લોકડાયરો, મહારાસની ઝાંખી, કાનગોપી રાસલીલા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ઠેર ઠેરથી ભકતો ઉમટી પડયા હતા. લોકડાયરામાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર, રાજભા ગઢવી, બીરજુ બારોટ, ગોપાલ સાધુ તેમજ ભવ્ય સંતવાણીમાં માયાભાઇ આહિર, પરસોતમ પરી બાપુ, શૈલેષ મહારાજ, દેવરાજ ગઢવીએ પોતાના સુરમાં વાણી પીરસી હતી. તેમજ ભગવાન શ્રીકૃષ્ણ સમર્પિત ઉજજવળ પરંપરા મુજબ દ્વારીકાના આહીરાણી મહારાસની અલૌકિત ઝાંખી પણ દર્શાવવામાં આવી હતી. તેમજ શ્રીમદ વલ્લાભાચાર્યની બેઠકજીના સાનિઘ્યમાં ધર્મોત્સવની પુર્ણાહુતિએ આહીર પરંપરાની કાનગોપી મંડળી કિર્તનની રમઝટ પણ બોલાવવામાં આવી હતી. 


પિંડારા એ પિતૃ તર્પણ માટે જાણીતું અત્યંત પ્રાચીન તીર્થ છે. અહીં કપિલ મુનિનો આશ્રમ અને દુર્વાસા ઋષિના સ્થાનકનો મહિમા છે. આવા પવિત્ર સ્થાને શિવકથાનું આયોજન થતા સમગ્ર હાલાર પંથકમાં ભક્તિમય માહોલ છવાયો છે. કથાના પ્રારંભ પૂર્વે ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને ભાવિકો જોડાયા હતા.


પૂજ્ય ગિરી બાપુ પોતાની આગવી અને મધુર શૈલીમાં શિવ પુરાણના ગૂઢ રહસ્યો ભક્તો સમક્ષ રજૂ કરી રહ્યા છે. તેઓ શિવ તત્વને જીવનમાં કેવી રીતે ઉતારવું અને આજના સમયમાં આધ્યાત્મિકતાનું શું મહત્વ છે તે વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી રહ્યા છે. કથા દરમિયાન આવતા શિવ-પાર્વતી વિવાહ, જ્યોતિર્લિંગ પ્રાગટ્ય જેવા પ્રસંગોની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી રહી છે.


કથાના આયોજકો દ્વારા વિશાળ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી હજારો ભક્તો તડકા કે પવનની ચિંતા વગર કથા શ્રવણ કરી શકે. દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ અને રહેવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના ગામેગામથી લોકો ઉમટી રહ્યા હોવાથી સુરક્ષા અને ટ્રાફિકનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.


દ્વારકા જે કૃષ્ણની કર્મભૂમિ છે, ત્યાં નજીકમાં જ શિવકથાનું આ આયોજન હરિ અને હરના મિલન સમાન માનવામાં આવે છે. પિંડારાના દરિયાકાંઠે ગુંજતો ’નમ: શિવાય’નો નાદ વાતાવરણને પવિત્ર બનાવી રહ્યો છે. આગામી દિવસોમાં કથાના પૂર્ણાહુતિ પ્રસંગે અનેક સંતો-મહંતો અને રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application