BREAKING NEWS

દુબઈથી જિબુટી જઈ રહેલું સલાયાનું માલવાહક જહાજ દરિયામાં ડૂબ્યું

  • July 10, 2026 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુબઈથી જિબુટી જઈ રહેલું સલાયાનું માલવાહક જહાજ દરિયામાં ડૂબ્યું

૧૨ ક્રૂ મેમ્બર્સનો બચાવ, બે ખલાસીઓના કરૂણ મોત

દુબઈથી જનરલ કાર્ગો ભરીને આફ્રિકાના જિબુટી પોર્ટ તરફ જઈ રહેલું ભારતીય માલવાહક જહાજ જે મૂળ સલાયાનું ’એમ.એસ.વી. માહેબૂબ એ બુખારી’ (BDI-1415) દરિયામાં સર્જાયેલી ગંભીર કટોકટી અને ખરાબ હવામાનને કારણે ડૂબી ગયું હોવાની એક અત્યંત દુ:ખદ ઘટના સામે આવી છે. 

આ ભયાનક દુર્ઘટનામાં સલાયના જહાજ પર સવાર કુલ ૧૪ ક્રૂ મેમ્બર્સમાંથી ૧૨ ખલાસીઓનો આબાદ બચાવ થયો છે, જ્યારે બે ભારતીય ખલાસીઓના દરિયામાં કરૂણ મોત નીપજ્યા છે. મૃતક ખલાસીઓની ઓળખ ગંઢાર યાસીન નૂરમામદ અને ભાયા ઈમરાન ઈશાક તરીકે થઈ છે.  

ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી આદમ ભાયા દ્વારા વિદેશ મંત્રાલય, ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ, ભારતીય નૌસેના, કોસ્ટ ગાર્ડ અને ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ સહિતના ઉચ્ચ અધિકારીઓને ઈમેઈલ મારફતે આ અંગે સત્તાવાર વિગતો આપીને તાત્કાલિક મદદની ગુહાર લગાવવામાં આવી હતી. 

પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ માલવાહક જહાજ ગત તારીખ ૩ જુલાઈ ૨૦૨૬ના રોજ દુબઈ (યુ.એ.ઈ.)થી જિબુટી જવા માટે રવાના થયું હતું, જેમાં કેપ્ટન (ટીંડલ) સહિત કુલ ૧૪ ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા.  સમુદ્રની સફર દરમિયાન દરિયામાં ભારે કરંટ અને અત્યંત ખરાબ હવામાન વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિનો એકાએક ફેઈલ થઈ ગયા હતા.

એન્જિન બંધ પડવાની સાથે જ જહાજમાં સતત દરિયાઈ પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં અને જહાજ ડૂબવાની અણી પર હોવાથી, ખલાસીઓનો જીવ બચાવવા માટે જહાજના ટીંડલ/માસ્ટર પાસે જહાજને છોડી દેવા (એબન્ડન) સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. જહાજ ડૂબવા લાગતાં જ તમામ ખલાસીઓ દરિયામાં કૂદી પડ્યા હતા.  

કટોકટીની આ ઘડીમાં આસપાસમાંથી પસાર થઈ રહેલા અન્ય બે ભારતીય જહાજો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. જેમાં ’એમ.એસ.વી. અલ હાજી હસન’ (BDI-1479)​​​​​​​ નામના જહાજે પ્રશંસનીય કામગીરી કરીને ૧૧ ભારતીય ખલાસીઓને જીવતા બહાર કાઢ્યા હતા અને એક મૃતદેહને દરિયામાંથી રિકવર કર્યો હતો. જ્યારે બીજા એક અન્ય ભારતીય જહાજ ’એમ.એસ.વી. સફીના અલ નૂરે ઇલાહી’ (BDI-1141​​​​​​​) દ્વારા વધુ એક ખલાસીને જીવતો બચાવી લેવાયો હતો અને બીજા મૃતક ખલાસીના શબને બહાર કાઢવામાં આવ્યું હતું.  

આ ઘટનાની જાણ થતાં જ ઓમાનની રોયલ નેવી પણ તુરંત એક્શનમાં આવી ગઈ હતી. ઓમાન નેવીની ટીમે દરિયામાંથી બચાવી લેવાયેલા તમામ ૧૨ ખલાસીઓ અને બંને મૃતક ખલાસીઓના પાર્થિવ દેહને સુરક્ષિત રીતે ઓમાનના નજીકના ડુકમ (ઉીળિ) ફિશિંગ જેટી ખાતે પહોંચાડ્યા છે. હાલ આ તમામ ખલાસીઓ ઓમાન સરકારી તંત્રની દેખરેખ હેઠળ છે.  

ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિએશને ભારત સરકારના સંબંધિત વિભાગો અને ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસને અત્યંત સંવેદનશીલતા પૂર્વક માનવતાવાદી ધોરણે આ મામલે વહેલી તકે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે, ઓમાનમાં સુરક્ષિત રહેલા ૧૨ ભારતીય ખલાસીઓને જરૂરી તમામ સહાય પૂરી પાડીને વહેલી તકે સ્વદેશ પરત લાવવામાં આવે. આ સાથે જ, દરિયામાં જીવ ગુમાવનારા બંને કમનસીબ ભારતીય ખલાસીઓના મૃતદેહોને યોગ્ય રીતે સાચવીને, તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી, તેમના વતન ભારત ખાતે પરત મોકલવા માટે (રેપેટ્રિએશન) યોગ્ય સંકલન સાધવામાં આવે જેથી તેમના પરિવારોને આ આઘાતની સ્થિતિમાં આખરી આશ્વાસન મળી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News