પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં જામનગરના ટાઉનહોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં ટાઉન હોલ ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો
સરકારના કલ્યાણકારી નિર્ણયોનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો એ જ સરકારનું લક્ષ્ય: મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા
વિવિધ વિભાગોના સ્ટોલ્સની મુલાકાત લઈ મંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
જામનગર તા.૦૬ ફેબ્રુઆરી, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના શ્રી એમ.પી. શાહ ટાઉન હોલ ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ વિશેષ ઉપસ્થિત રહીને જનસેવાના આ વિશેષ પ્રકલ્પને ખુલ્લો મૂક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ટાઉન હોલ ખાતે તૈયાર કરવામાં આવેલા વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય તપાસ, આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા અને સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓના સ્ટોલ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ સ્થળ પર જ ઉપસ્થિત અરજદારો સાથે વાતચીત કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમ એ વહીવટી તંત્રને લોકોના ઘર સુધી લઈ જવાનો એક સબળ પ્રયાસ છે. સામાન્ય નાગરિકને પોતાના નાના-મોટા કામો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને એક જ સ્થળે તમામ પાયાની સેવાઓ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પારદર્શક વહીવટ અને ઝડપી નિકાલ એ વર્તમાન સરકારની કાર્યશૈલીની ઓળખ છે.તેમણે વધુમાં જણાવ્યું કે, સેવા સેતુના માધ્યમથી હજારો લોકોએ સ્થળ પર જ પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું છે, જે લોકશાહીની સફળતા દર્શાવે છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયરશ્રી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમનશ્રી નિલેશભાઈ કગથરા, શાસકપક્ષ નેતા શ્રી આશિષભાઈ જોશી, કલેકટરશ્રી કેતન ઠક્કર, ડે.કમિશનરશ્રી ઝાલા સહિતના અધિકારીશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.