દેવભૂમિ દ્વારકા: પુરૂષોત્તમ માસ દરમિયાન દ્વારકાધીશ મંદિર પાસે ગટરનું ગંદુ પાણી વહેતાં ભાવિકોમાં રોષ
સ્વર્ગદ્વારની છપ્પન સીડીઓથી પવિત્ર ગોમતી નદી સુધી ગંદકી ફેલાતા યાત્રાળુઓ પરેશાન
યાત્રાધામ દ્વારકામાં ચાલી રહેલા પવિત્ર પુષોત્તમ માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન તેમજ ગોમતી સ્નાન માટે ઉમટી રહ્યા છે. ત્યારે દ્વારકાધીશ જગતમંદિર ના મુખ્ય પ્રવેશદ્વાર સમાન સ્વર્ગદ્વાર તરફ આવેલા છપ્પન સીડી વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ઉભરાતા ભાવિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ગટરના દુર્ગંધયુક્ત પાણી સીધું પવિત્ર ગોમતી નદીમાં ભળી રહ્યું હોવાના કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી છે.
મહાપ્રભુજીની બેઠકજી, હરિકુંડ અને સુદામા સેતુ જેવા અતિ મહત્વના ધાર્મિક વિસ્તારોમાં ગટરનું પાણી રસ્તા પર ફરી વળતાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓને ગંદા પાણીમાંથી પસાર થઈને મંદિર સુધી પહોંચવું પડી રહ્યું છે. જેના કારણે દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા નવી નથી. વારંવાર રજૂઆતો છતાં વહીવટી તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. ગટરનું ગંદુ પાણી ગોમતી નદીમાં ભળતાં નદીનું પવિત્ર જળ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે, જ્યારે હજારો યાત્રાળુઓ આ જ પાણીમાં આચમન અને સ્નાન કરતા હોય જાહેર આરોગ્ય સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
દ્વારકા શહેરના ભદ્રકાળી ચોક, હોમગાર્ડઝ ચોક અને જોધાભા માણેક વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પણ ગટરનું પાણી રોડ પર ફરી વળવાની સમસ્યા સતત સામે આવી રહી છે. પાલિકા તંત્રની બેદરકારી અને યોગ્ય આયોજનના અભાવે યાત્રાધામ દ્વારકાની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચી રહ્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઉનાળુ વેકેશન અને પુરૂષોત્તમ માસને કારણે દરરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દ્વારકાની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે યાત્રિકોની સુવિધા, સ્વચ્છતા અને ધાર્મિક આસ્થાને જાળવવા માટે તાત્કાલિક અસરથી ગટર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.