જામનગર જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગુલાબ કુંવરબા ટ્રસ્ટના સહયોગથી પેથોલોજી લેબનો શુભારંભ
જામનગરમાં ગત તા. ૦૧/૦૫/૨૦૨૬ના રોજ ગુલાબ કુંવરબા, સેતાવડ ખાતે પેથોલોજી લેબનો શુભારંભ થયો. આ નવી પેથોલોજી લેબ શહેર અને આસપાસના નાગરિકોને ગુણવત્તાસભર, ઝડપી અને વિશ્વસનીય આરોગ્ય તપાસ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરવામાં આવી છે.
આ પેથોલોજી લેબમાં વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, ડાયાબિટીસ ચકાસણી, થાયરોઈડ ટેસ્ટ, લિવર-કિડની ફંક્શન ટેસ્ટ સહિત અનેક આરોગ્ય તપાસો અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. સામાન્ય નાગરિકોને યોગ્ય દરે અને વિશ્વાસપૂર્વકની સેવા મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
રેડક્રોસ સોસાયટીના જામનગર શાખાના પ્રમુખ કલેક્ટર શ્રી પરિમલભાઈ પંડયાના અઘ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો. તેમના જણાવ્યા મુજબ રેડક્રોસ સોસાયટી હમેશા સેવા, સમર્પણ અને માનવતાના સિદ્ધાંતો સાથે કાર્યરત રહી છે, આ લેબથી નાગરીકોને સચોટ અને વિશ્વસનીય પરીક્ષણ મળી શકશે.
આ લેબોરેટરીનું ઉદઘાટન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખાના વાઇસ ચેરમેન ડો. અજયભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેન ડો .દીપકભાઈ નારોલા, ખંભાળીયા રેડક્રોસના ચેરમેન કીરીટભાઈ મજીઠીયા, જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, વિમલભાઈ કગથરા, હસમુખભાઇ જેઠવા, અશોકભાઈ નંદા, ડો. નિરંજનભાઈ ભટ્ટ, ડો. દેવાશું શુક્લ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પી.આર.ઓ. આશિષભાઈ ખારોડ સહીતના અગ્રણીઓ તથા ગુલાબ કુવરબા ઈનફન્ટ વેલફેર એસોસિએશનના ટ્રસ્ટીઓ ઉપરાંત રેડ ક્રોસ સોસાયટી જામનગર શાખાના ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, વાઇસ ચેરમેન પ્રો.દીપાબેન સોની, સેક્રેટરી ડો. વિહારીભાઈ છાટબાર, ખજાનચી કિરીટભાઇ શાહ,પૂર્વ ચેરમેન બીપીનભાઇ ઝવેરી તેમજ એક્ઝિક્યુટિવ મેમ્બર અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમનું સંચાલન ચિત્રાંગદ જાનીએ કર્યું હતું અને આભારવિઘી કીરીટભાઈ શાહે કરી હતી.