જામનગર પંથકમાં વિદેશી દારૂ અંગે ચાર સ્થળે દરોડા : ૩ ઝબ્બે
૫૨ ચપલા, ૧૧ બોટલ અને એક બાઇક કબ્જે : બે ફરાર
જામનગરના પટેલ કોલોની રોડ પર પોલીસે શરાબની ૧૦ બોટલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો એકનું નામ ખુલ્યુ હતુ જયારે સિઘ્ધાર્થ કોલોનીમાં એકસેસ અને દારૂના ૪૮ ચપટા સાથે એક શખ્સ ઝપટમાં આવ્યો હતો, ઉપરાંત હોથીજી ખડબા રોડ અને ખંભાલીંડા ગામમાં દારૂના દરોડામાં નાની મોટી ૫ બોટલ મળી આવી હતી જેમા એક પકડાયો હતો.
જામનગરના વિકાસ ગૃહ રોડ પટેલ કોલોની મેઇન રોડ ખાતે શિવાની ટેનામેન્ટમાં રહેતા પિનાકીન મુકુંદરાય ભટ્ટ નામના શખ્સને ઇંગ્લીશ દારૂની ૧૦ બોટલ સાથે સ્થાનીક પોલીસે પકડી લીધો હતો. તપાસ દરમ્યાન મચ્છરનગરના અજયસિંહ વાળાનું નામ ખુલ્યુ હતુ જેને ફરાર જાહેર કરાયો હતો.
શહેરના શંકરટેકરી વિસ્તાર સિઘ્ધાર્થ કોલોની શેરી નં. ૨૩માં રહેતા જીતેન્દ્ર ઉર્ફે પિન્ટુ બાઠીયો દેવજી પરમાર નામના શખ્સના ભોગવટાના મકાને સીટી-સી પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારૂના ૪૮ ચપટા, એકસેસ બાઇક નં. જીજે૧૦ઇબી-૫૪૨૦ મળી કુલ ૪૪૪૦૦ના મુદામાલ સાથે ઝપટમાં આવ્યો હતો જેની દારૂ બાબતે પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત જામજોધપુરના મેલાણ ગામમાં રહેતા ભગવાનજી બોઘા સુરેલા કોળી નામના શખ્સને ૩૦૦ એમએલ વિદેશી દારૂની બોટલ સાથે હોથીજી ખડબા રોડ પરથી દબોચી લેવાયો હતો જયારે ખંભાલીંડા ગામના નાના વાસમાં રહેતા મહાવીરસિંહ ઓઘુભા જાડેજાના મકાને પંચ-એ પોલીસે દરોડો પાડી શરાબના ૪ ચપટા કબ્જે કર્યા હતા જયારે આરોપી ફરાર થઇ ગયો હતો.