જામનગરની બે દિવ્યાંગ દિકરીઓના લાભાર્થે સાથી હાથ બઢાના... કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, અહીંના ટાઉન હોલ ખાતે તા. ૧૦ના રોજ જાદુ કે રંગ પાર્ટ-૪ કાર્યક્રમ યોજાશે, જેમાં થનારી આવક દિકરીઓની સારવાર માટે અપાશે.
જાદુગર રોબર્ટ આચાર્ય એન્ડ દિપક દવે આયોજીત જાદુ કે રંગ પાર્ટ-૪, લાફટર ઔર જાદુ કે સંગ કાર્યક્રમ આગામી તા. ૧૦-૨-૨૬ મંગળવાર રાત્રે ૯-૩૦ કલાકે જામનગર ટાઉનહોલ ખાતે યોજાશે, જામનગરની પ્રિયાંશી અને વિશ્ર્વા નામની બે દિવ્યાંગ બહેનોના લાભાર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જામનગરના જાણીતા જાદુગર રોબર્ટ પોતાની કલાઓ પેશ કરશે ઉપરાંત જાણીતા કોમેડીયન ધારશી બેરડીયા, મેજીસીયન પ્રિન્સ વિવેક, એન્કર અલ્પીતા પાલેજા, લોક સાહિત્યકાર જયરાજ સોની, સિંગર પ્રાંજલ બારડ અને આઘ્યા બારડ પોતાની કલા રજુ કરશે.
આ કાર્યક્રમ બે દિવ્યાંગ દિકરીઓના લાભાર્થે યોજવામાં આવ્યો છે, કાર્યક્રમમાં થનારી આવક બંનેને ડોનેટ કરાશે, આ તકે જાદુગર રોબર્ટ અને બંને દિકરીઓ તથા તેમના પિતાએ આજકાલની ખાસ મુલાકાત લીધી હતી અને કેટલીક વિગતો જણાવી હતી, દિકરીઓના પિતા અશોકભાઇ ધારવીયા ગોકુલનગરમાં રહે છે મજુરી કામ કરે છે, પ્રિયાંશી ધો. ૧૨માં અને વિશ્ર્વા ધો. ૮માં બુઘ્ધીસાગર વિધાલય ખાતે અભ્યાસ કરે છે, આ બંને બહેનો જનમ્યા બાદ આશરે ૭ થી ૮ વર્ષ નોર્મલ અવસ્થામાં હતી, એ પછી ગોઠણ, કમરના દુ:ખાવાની તકલીફ ઉભી થઇ હતી અને બંનેને પગમાં ચાલવાની તકલીફ ઉભી થઇ હતી, હાલ બંને બહેનો ઘોડીના સહારે ચાલી શકે છે.

બંને દિવ્યાંગ બહેનોની જામનગરની જી.જી. હોસ્પીટલ, આયેર્વેદ હોસ્પીટલમાં દોઢ-દોઢ વર્ષનો કોર્સ કરાવવામાં આવ્યો હતો છતા કોઇ ફરક પડયો ન હતો આ ઉપરાંત રાજકોટ, અમદાવાદ, જુનાગઢ, ભાવનગર, મુંબઇ, રાજસ્થાન, ઉદેપુર જેવા શહેરોમાં પણ બંનેની સારવાર માટે લઇ જવામાં આવી હતી જો કે ખાસ કોઇ ફરક જોવા મળ્યો ન હતો. જુદા જુદા તબીબી અભીપ્રાયો મુજબ બંનેને હાડકા નરમ પડે છે, તાકાત ઓછી થઇ ગઇ છે, હાડકા ફુલાય છે એ પ્રકારની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી અને બેંગ્લોર ખાતે જીનેટીક રીપોર્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે. જે રીપોર્ટ આવે એ પછી ખરેખર આ અલગ અને વિચિત્ર પ્રકારની લાગતી બિમારી પકડાઇ શકે તેમ છે અને રીપોર્ટના આધારે આગળની સારવાર યોગ્ય રીતે થઇ શકે તેમ છે જો કે આ રિપોર્ટ ખર્ચાળ હોવાથી શ્રમિક પરિવાર મુંઝવણમાં છે દરમ્યાનમાં જાદુગર રોબર્ટનો થોડા મહિનાઓ પહેલા ભેટો થયો હતો અને આચાર્ય રોબર્ટે બંને દિકરીઓ માટે કાર્યક્રમ યોજીને શકય તેટલી સહાય મેળવી શકાય તે માટેની તત્પરર્તા બતાવી હતી જેને અનુલક્ષીને જાદુ કે રંગ કાર્યક્રનું આયોજન કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રમિક પરિવારના અશોકભાઇને કુલ ચાર સંતાન છે જેમાં મોટી દિકરીને કોઇ જાતની શારીરીક તકલીફ નથી, આ બંને બહેનોને ઉમરના ૭-૮ વર્ષ બાદ આ તકલીફ ઉભી થઇ છે જયારે સૌથી નાના પુત્રને હાથ-પગમાં આ પ્રકારની હમણાથી તકલીફ શ થઇ હોવાનુ પણ તેમણે જણાવ્યુ હતું.