↵
જામનગરમાં ૧૪મી એપ્રિલે ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
ભારતીય બંધારણના શિલ્પકાર, દલિતોના ઉદ્ધારક અને વિશ્વ વિભૂતિ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે આગામી ૧૪મી એપ્રિલ ૨૦૨૬, મંગળવારના રોજ જામનગર શહેરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બૌદ્ધ સમાજ - જામનગર અને ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ડો. બાબાસાહેબે આપેલા બંધારણ અને તેમણે સ્થાપેલા સમાનતાના મૂલ્યોના જતન માટે આ આયોજન કરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા તમામ બૌદ્ધ-દલિત બહુજન ભાઈઓ, બહેનો, યુવાનો અને શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓને પોતપોતાના બેનરો સાથે સ્વૈચ્છિક રજા રાખી આ શોભાયાત્રામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગરમાં તા.૧૪ એપ્રિલના રોજ સવારે ૮:૦૦ થી ૯:૦૦ કલાકે વંદનાનો કાર્યક્રમ યોજાશે, ત્યારબાદ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી મહાનુભાવો દ્વારા પુષ્પહાર અર્પણ કરવામાં આવશે, બપોરે ૩:૩૦ વાગ્યે જૂના રેલવે સ્ટેશન, મહાત્મા જ્યોતિબા ફૂલે ચોક ખાતેથી ભવ્ય ભીમ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે,આ શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થશે. જેમાં ડો. આંબેડકર માર્ગ, મહાત્મા જ્યોતિબા ફૂલે ચોક (જૂના રેલવે સ્ટેશન) થી શરૂ થઈ ત્રણ બતી ચોક, બેડી ગેટ, રણજીત રોડ, ચાંદી બજાર, સેન્ટ્રલ બેંક, હવાઈ ચોક, પંચેશ્વર ટાવર અને વિભાજી સ્કૂલ થઈને લાલ બંગલા ખાતે પૂર્ણ થશે.શોભાયાત્રાના અંતે સાંજે ૭:૦૦ વાગ્યે લાલ બંગલા સર્કલ પાસે આવેલી ડો. આંબેડકરની પ્રતિમા પાસે વંદના સભા યોજાશે, જે જાહેર સભામાં પરિવર્તિત થશે.
આયોજકો દ્વારા શોભાયાત્રાની ગરિમા જળવાઈ રહે તે માટે ખાસ અપીલ કરવામાં આવી છે. શોભાયાત્રામાં જોડાનાર તમામ લોકોને સફેદ વસ્ત્રો ધારણ કરવા અને શિસ્તબદ્ધ રીતે વર્તવા વિનંતી કરાઈ છે. આ ઉપરાંત, શોભાયાત્રા દરમિયાન નશીલા પદાર્થોનું સેવન ન કરવા અને ટૂ-વ્હીલર વાહનો સાથે અવાજનું પ્રદૂષણ ફેલાવતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી પોલીસને હવાલે કરવામાં આવશે તેવી સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે જામનગરનો બૌદ્ધ સમાજ અને ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા ભારે જહેમત ઉઠાવી રહી છે.