BREAKING NEWS

જામનગરમાં મશ્કરીના મામલે આહિર વૃઘ્ધની ઘરમાં ઘૂસીને ઘાતકી હત્યા

  • June 25, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મશ્કરીના મામલે આહિર વૃઘ્ધની ઘરમાં ઘૂસીને ઘાતકી હત્યા

અગાઉની બોલાચાલીનો ખાર રાખીને છરીના ઘા ઝીંકયા : શહેરમાં ભારે ચકચાર : સાગર મારખી વશરા સામે ફરીયાદ : પોલીસ તપાસનો ધમધમાટ

જામનગરના શરૂ સેકશન રોડ પર ગઇકાલે રાત્રીના આહિર વૃઘ્ધ પર છરીના ઘા ઝીંકીને ઢીમ ઢાળી દીધાનું સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી,  આરોપી અવાર નવાર વૃઘ્ધની મશ્કરી કરતો હોય જે બાબતે અગાઉ પણ બોલાચાલી થઇ હતી, દરમ્યાન આ અંગેનો ખાર રાખીને ગઇકાલે રાત્રીના જીવલેણ હુમલો કરીને નાશી ગયો હતો, આ અંગે ફીયોનીકા સોસાયટીમાં રહેતા શખ્સ સામે હત્યાની કલમ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. 

જામનગરના શરૂ​​​​​​​ સેકશન રોડ પર ગઇકાલે રાત્રીના દેવાયતભાઇ નામના વૃઘ્ધ પર છરીના ઘા ઝીંકી દેવામાં આવતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા, તાકીદે જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવતા જયાં મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો, સીટી-સી ડીવીઝન સહિતની ટુકડીમાં દોડધામ મચી ગઇ હતી. દરમ્યાનમાં પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા અને ફરીયાદ લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોડી રાત સુધી હોસ્પીટલ ખાતે ધમધમાટ જોવા મળ્યો હતો. 

દરમ્યાનમાં જામનગરના શ‚ સેકશન રોડ પર ફીયોનીકા સોસાયટીમાં રહેતા વેપાર કરતા રાજુ વજશીભાઇ વારોતરીયા (ઉ.વ.૨૮) નામના યુવાને સીટી-સી ડીવીઝનમાં ફીયોનીકા સોસાયટીમાં રહેતા સાગર મારખી વશરા નામના શખ્સ વિરૂઘ્ધ બીએનએસ કલમ ૧૦૩(૧) તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી. 

જેમાં જણાવ્યુ હતું કે ફરીયાદીના દાદા દેવાયતભાઇ રામશીભાઇ વારોતરીયા (ઉ.વ.૭૦)ની આરોપી સાથે અવાર નવાર મસ્તી કરતો હોય જે કારણે અગાઉ બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખીને ગઇકાલે મોડી સાંજે આરોપી સાગર છરી સાથે ઘસી આવ્યો હતો અને દેવાયતભાઇ પર આડેધડ છરીના ઘા ઝીંકી મોત નિપજાવ્યુ હતું. આ ફરીયાદના આધારે સીટી-સી ડીવીઝનના પીઆઇ એન.બી. ડાભી તપાસ ચલાવી રહયા છે. 

વધુમાં મળેલી વિગત મુજબ આશરે ૩-૪ વર્ષ પહેલા ફરીયાદીના દાદાની આરોપી મસ્તી કરતા હોય જેથી સામાન્ય બોલાચાલી થઇ હતી ત્યાર બાદ સમાધાન પણ થઇ ગયુ હતું એ પછી મકાન ખાલી કરીને આગળના વિસ્તારમાં રહેવા જતા રહયા હતા ગઇકાલે રાત્રીના મૃતક દેવાયતભાઇ ઘરે હતા એ દરમ્યાન આરોપી સાગર છરી સાથે ત્યાં આવ્યો હતો અને ઘા ઝીંકી દીધા હતા દેકારો થતા અન્ય પરિવારના સભ્યો અને ફરીયાદી પાછળ દોડીને પકડવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમ્યાન પોલીસને જાણ કરવા અને ૧૦૮ને બોલાવવામાં આવી હતી. 

શહેરમાં આહિર વૃઘ્ધની હત્યાનો બનાવ સામે આવતા ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઇ હતી મસ્તી જેવી બાબતમાં વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધાની વિગતો હાલ સામે આવી છે. બીજી બાજુ પોલીસ દ્વારા આ બનાવમાં ફરીયાદ નોંધીને આરોપીની ધરપકડ કરવા સહિતના તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application