જસદણ ખાતે આવેલી આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની હોસ્ટેલમાં રહી ધો.5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું મોત નિપજતા પરિવારે શાળા સંચાલકોની બેદરકારીનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દીકરીને શાળાની હોસ્ટેલમાં મૂકી હતી તેને બે મહિના જેટલો સમય થયો હતો પરંતુ તેની સાથે વાત કરવા કે મળવા દેવામાં આવ્યા નહતા. ગઈકાલે ટ્રસ્ટીનો ફોન આવ્યો હતો અને દીકરીની તબિયત બરાબર ન હોવાથી તેને રાજકોટ સારવાર માટે લઇ જઈ રહ્યા નું જણાવ્યું હતું. આથી અમે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યાં દીકરીને તબીબે મૃત જાહેર કરી હતી. પરિવારના આક્ષેપના પગલે જસદણ પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામમાં રહેતા રમેશભાઈ બલદાણીયાની પુત્રી આયુષી(ઉં.વ.10) જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની હોસ્ટેલમાં રહી અને ધોરણ-5માં અભ્યાસ કરતી હતી ગઈકાલે તબિયત બરાબર ન હોવાથી શાળા સંચાલકે 108ને જાણ કરતા પ્રથમ જસદણની કોટડીયા હોસ્પિટલે લઇ જવામાં આવી હતી ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત નીવડે પૂર્વે જ બાળકીએ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણ પરિવારને થતા મહુવા પંથકમાં રહેતા પરિવારજનો રાજકોટ સિવિલ હોસ્પિટલે તાબડતોબ પહોંચ્યા હતા અને દીકરીની મૃતદેહ જોઈ આક્રંદ સર્જ્યો હતો. મૃતક બાળકીના પિતા રમેશભાઈ બલદાણીયાએ જણાવ્યું હતું કે, ગત 27 એપ્રિલે પુત્રીને શાળામાં મૂકવા આવ્યા હતા. ત્યારબાદ અમે દીકરીના હાલચાલ પૂછવા માટે વારંવાર ફોન કરતા હતા પરંતુ શાળાના નિયમો મુજબ બે મહિના સુધી ફોન કે પરિવારને મળવા દેવામાં આવતા નથી તેવું જણાવી દેવાયું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે શાળાના ટ્રસ્ટી હિરેનભાઈ સંઘાવડાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારી દીકરીની તબિયત બરાબર નથી જસદણ હોસ્પિટલે બતાવ્યા બાદ હવે રાજકોટ લઈ જઈ રહ્યા છીએ આથી અમે પણ રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. સિવિલ પહોંચ્યા ત્યાં માત્ર દીકરીનો મૃતદેહ જ જોવા મળ્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો હતો કે, દીકરીને 10-12 દિવસથી તાવ અને અછબડા જેવી બીમારી હોવા છતાં અમને શાળામાંથી ફોન કેમ ન કર્યો અને આટલી ગંભીર તબિયત થયા બાદ જ કેમ અમને જાણ કરવામાં આવી ? આ શાળા સંચાલકોની મોટી બેદરકારી હોવાનું જણાવતા પોલીસે મૃત્યુનું ચોક્કસ સમય અને કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેના રિપોર્ટ બાદ સત્ય સામે આવી શકે છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.