દ્વારકા નજીક ફાર્મ હાઉસમાં જામેલી દારૂ-બિયરની મહેફિલ ઉપર પોલીસ ત્રાટકી
મુદ્દામાલ સાથે સાત શખ્સો ઝડપાયા: સપ્લાયરનું નામ ખુલ્યું
દ્વારકા નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે મોડી રાત્રીના સમયે એક ફાર્મ હાઉસમાં દારૂ-બિયરની જામેલી મહેફિલ પર સ્થાનિક પોલીસે દરોડાની કાર્યવાહી કરી, આ સ્થળેથી દારૂ તથા બિયર વિગેરે મળી, કુલ રૂપિયા ૧.૦૪ લાખનો મુદ્દામાલ કબજે કરી, આ સ્થળેથી સાત શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે સપ્લાયરનું નામ પણ ખુલવા પામ્યું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા પોલીસ તેમજ એલસીબી ટીમ દ્વારા ગતરાત્રે હાથ ધરવામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગઈકાલે રવિવારે આશરે ૧૦:૩૦ વાગ્યાના સમયે દ્વારકાથી આશરે ૧૦ કિલોમીટર દૂર વસઈ ગામ તરફ જતા રસ્તે હરભમ ઉર્ફે વિનુભા વાઘાભા જગતિયા નામના ૫૯ વર્ષના શખ્સના ફાર્મ હાઉસ ખાતે કેટલાક શખ્સો મદિરાપાન કરી રહ્યા હોવાની બાતમીના આધારે આ સ્થળે પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ દરોડા દરમ્યાન આ સ્થળેથી હરભમ ઉર્ફે વિનુભા વાઘાભા જગતિયા, વિજય કનૈયાલાલ ભાયાણી, જયદીપભા કરણભા માણેક, રાજેશ કાંતિલાલ જોશી, જેસાભા કરણભા માણેક, વિજય હરિસિંગ કેર અને ભગવાનજી નાથાલાલ જેઠવા નામના સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ સ્થળેથી પોલીસે વિદેશી દારૂની અધૂરી બોટલ, બિયરના છ ટીન તથા રૂપિયા ૪૦ હજારની કિંમતના છ મોબાઈલ ફોન, રૂ. ૨,૯૦૦ રોકડા અને રૂપિયા ૬૦,૦૦૦ ની કિંમતના ત્રણ એકટીવા મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૧,૦૩,૭૪૮ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પૂછતાછમાં તેઓએ દ્વારકાના રહીશ ખુરશીદ બ્લોચ ઉર્ફે ડાડો નામના શખ્સ પાસેથી આ દારૂ - બિયર મેળવ્યો હોવાનું મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત હરભમભા ઉર્ફે વિનુભા જગતિયા અને રાજેશ કાંતિલાલ જોશી પાસે દારૂ પીવાની પરમિટ પણ હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.