BREAKING NEWS

જામનગરમાં મર્ડર વીથ લૂંટનો ભેદ ઉકેલાયો: એક આરોપી પકડાયો

  • May 06, 2026 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મર્ડર વીથ લૂંટનો ભેદ ઉકેલાયો: એક આરોપી પકડાયો

સુભાષ બ્રિજ નીચે થયેલી હત્યા પાછળ ઓળખીતાએ ઘડ્યો પ્લાન: રોકડ લૂંટ માટે ગળું દબાવી પથ્થર મારી ઢીમ ઢાળી દીધું

જામનગર શહેરમાં સુભાષ બ્રિજ નજીક રંગમતી નદીના કાંઠે અજાણ્યા વ્યક્તિ ની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવવાના બનાવનો એલ.સી.બી. પોલીસ દ્વારા ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ બનાવ લૂંટના ઇરાદે થયેલ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું.

આ બનાવ અંગે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને મૃતકના પુત્ર એવા ફરીયાદી અસગર ઇસમાઇલ કેર દ્વારા તેમના પિતા ઇસ્માઇલ હારૂનભાઈ કેરની અજાણ્યા ઇસમ દ્વારા લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ગંભીર બનાવના અનુસંધાને રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની તેમજ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના સુપરવિઝનમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શ‚ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા બનાવ સ્થળની ઝીણવટભરી તપાસ સાથે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા તેમજ ટેક્નિકલ સેલ અને માનવ સૂત્રોના આધારે એક પછી એક કડીઓ જોડવામાં આવી હતી. સતત પ્રયત્નો બાદ એલ.સી.બી. ટીમે મહેબુબ મહમદહુસેન સચડા, રહે. જામનગર વાધેરવાડાને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

તપાસમાં ખુલ્યું કે આરોપી અને મરણજનાર એકબીજાને ઓળખતા હતા. મરણજનાર મચ્છીનો ધંધો કરતા હોવાથી તેમની પાસે રોકડ રકમ રહેતી હોવાની માહિતી આરોપીને હતી. જેના આધારે આરોપીએ મરણજનારને રંગમતી નદીના પુલ નીચે બોલાવી દોરી વડે ગળું દબાવી હત્યા કરી અને માથામાં પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ લાશને પાણીમાં ફેંકી રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયો હતો. હાલ આ અંગેની વધુ તપાસ સીટી એ ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News