જામનગર : હાપા જવાહરનગરમાં નજીવી બાબતે માતા-પુત્રી પર હુમલો
છરી વડે હાથમાં ઇજા કરી : ૩ શખ્સ સામે નોંધાવાતી ફરીયાદ
હાપા જવાહરનગરમાં ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડવાના મામલે ઉશ્કેરાયેલા શખ્સોએ બબાલ કરી હતી અને માતા-પુત્રી પર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે અંધાશ્રમ પાછળ રહેતા બે શખ્સ અને હાપાના એક શખ્સ મળી ૩ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગર નજીક હાપા જવાહરનગર-૧માં રહેતા નીતુબેન વાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૦) તથા તેમના માતા રામીબેન ગત તા. ૧૨ના રહેણાંક મકાનની બહાર બેઠા હતા ત્યારે આરોપી મુકેશ ત્યાં મોબાઇલમાં અપશબ્દો બોલતો હોય જેથી ફરીયાદીએ અપશબ્દો બોલવાની ના પાડતા શખ્સ ઉશ્કેરાઇ જઇ બોલાચાલી ઝઘડો કર્યો હતો.
દરમ્યાનમાં ફરીયાદીને ટચલી આંગળીમાં બટકુ ભરી લેતા છ જેટલા ટાંકા આવ્યા હતા આ વેળાએ તેણીને બચાવવા તેના ભાઇ ભાવેશ અને માતા રામીબેન વચ્ચે પડયા હતા આ વેળાએ અન્ય આરોપીએ છરી જેવા હથીયાર વડે મારવા જતા ફરીયાદીના માતા વચ્ચે પડતા તેમને હાથના ભાગે ઇજા થઇ હતી.
નીતુબેન દ્વારા આ બનાવ અંગે પંચ-એમાં અંધાશ્રમ પાછળ બુઘ્ધવિહારચોકમાં રહેતા મુકેશ જમન ગોહિલ, કૌશિક જમન ગોહિલ અને હાપા સ્ટેશન સામે રહેતા બિપીન રમેશ ગરોડા નામના ૩ ઇસમ વિરુઘ્ઘ્ ફરીયાદ નોંધાવી હતી.