માનવતાનું મહાદાન: જામનગર દરેડ જી.આઈ.ડી.સી. એસોસિએશન દ્વારા આયોજિત ભવ્ય રક્તદાન કેમ્પમાં ૧૫૦થી વધુ રક્તની બોટલો એકત્રિત
ઉનાળાની આકરી ગરમીમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે રક્તની અછતને પહોંચી વળવા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાન મહાયજ્ઞ સંપન્ન.
ઉનાળાના આકરા તાપની શરૂઆત થતાં જ બ્લડ બેંકોમાં તમામ ગ્રુપના રક્તની ભારે અછત સર્જાતી હોય છે, ત્યારે આ કપરા સમયમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા જામનગર જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા આજે એક ભવ્ય અને પ્રશંસનીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર સિવિલ હોસ્પિટલ (જી.જી. હોસ્પિટલ)માં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ તથા ખાસ કરીને થેલેસેમિયાથી પીડિત માસૂમ બાળકોને વિનામૂલ્યે અને સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા આશયથી દરેડ, જી.આઈ.ડી.સી. ફેસ-૨ સ્થિત "કૌશલ્ય ભવન" ખાતે સવારે ૦૯:૦૦ થી બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધી આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ માનવતાવાદી કાર્યક્રમનો શુભારંભ જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના વરદ હસ્તે સવારે ૦૯:૦૦ કલાકે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વિષ્ણુભાઈ એમ. પટેલ, ઉપ પ્રમુખ અતુલભાઈ કાછડીયા, માનદમંત્રી જીગ્નેશભાઈ બી. લાવટી સહિત જી.આઈ.ડી.સી. એસોસિએશનના કારોબારી સભ્યો, હોદ્દેદારો અને આમંત્રિત મહેમાનોએ વિશેષ ઉપસ્થિત રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ રક્તદાન મહાયજ્ઞને સફળ બનાવવા માટે જામનગરના સર્વે ઉદ્યોગકાર મિત્રો, કામદાર વર્ગ તથા જાહેર જનતાએ પોતાની નૈતિક ફરજ સમજીને ખૂબ જ મોટી સંખ્યામાં સ્વયંભૂ ભાગ લીધો હતો. ઉદ્યોગ જગતના વિશાળ મિત્ર વર્તુળના અદભુત સહયોગ અને રક્તદાતાઓના ઉત્સાહને પરિણામે આ કેમ્પમાં જામનગર સિવિલ હોસ્પિટલને અંદાજે ૧૫૦થી પણ વધુ રક્તની બોટલો અર્પણ કરવામાં આવી હતી, જે અનેક દર્દીઓ માટે જીવનદાન સમાન સાબિત થશે.
સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન અને સંચાલન માટે એસોસિએશનના પ્રમુખ વિષ્ણુંભાઈ પટેલ તથા તેમના સાથી સહયોગીઓ હિરેનભાઈ બુસા અને કેતુલભાઈ ચાંગાણીએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્થા દ્વારા આ ભગીરથ કાર્યમાં પોતાનું અમૂલ્ય રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ, ઉપસ્થિત મહાનુભાવો અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સમાજને એક સકારાત્મક અને પ્રેરણાદાયક સંદેશ પૂરો પાડવામાં આવ્યો હતો.