જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટેના મતદાન મથકો અને ૧૦૦ મીટર વિસ્તારનું માર્કિંગ શરૂ: તંત્ર સતર્ક બન્યું
જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે, અને મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે વિવિધ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શહેરમાં મતદાન મથકો ઉભા કરવાની પ્રક્રિયા સાથે-સાથે દરેક મતદાન મથકની આસપાસના ૧૦૦ મીટર વિસ્તારનું માર્કિંગ કરીને મેંપિંગ તથા ગ્રાઉન્ડ માર્કિંગ શરૂ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, જામનગર શહેરના કુલ ૧૬ વોર્ડને આવરી લેતાં ચાર અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, અને દરેક ટીમને ચાર-ચાર વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમો દ્વારા મતદાન મથકથી ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં માપણી કરીને સફેદ રંગથી માર્કિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા ગઈકાલે રાત્રિથી જ શરૂ કરવામાં આવી છે, અને સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
આ ઉપરાંત, મતદાન મથકોની આંતરિક સુવિધાઓ તેમજ આવશ્યક વ્યવસ્થાઓની તૈયારીઓ પણ સાથે-સાથ કરવામાં આવી રહી છે, જેથી મતદાનના દિવસે કોઈ અવરોધ ન સર્જાય. સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સંકલિત રીતે આગળ વધી રહી છે.જિલ્લા તંત્ર દ્વારા મતદાનને નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.