BREAKING NEWS

દ્વારકામાં અધિક માસ પૂર્વે વહીવટી તંત્રની મોટી કાર્યવાહી

  • May 13, 2026 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં અધિક માસ પૂર્વે વહીવટી તંત્રની મોટી કાર્યવાહી

જગતમંદિર ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવાયા: શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર સજ્જ

યાત્રાધામ દ્વારકામાં આગામી પવિત્ર અધિક માસ દરમિયાન દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. યાત્રિકોની સુરક્ષા અને સુવિધાને સર્વોપરી ગણીને આજે દ્વારકાના જગતમંદિર ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું મોટા પાયે ડિમોલેશન અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રદ્ધાળુઓની અવરજવરમાં પડતી અડચણો દૂર કરવાનો અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવાનો છે.

દ્વારકા પ્રાંત અધિકારી અમલ આવટેના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવી અને તેમની ટીમે પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચીને કડક કામગીરી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ફૂટપાથ અને જાહેર માર્ગો પર વેપારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણો, ટેબલો, સ્ટોલ અને અન્ય અનધિકૃત સામાન જપ્ત કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. ઘણા સમયથી વેપારીઓ દ્વારા રસ્તા પર સામાન ખડકી દેવાને કારણે શ્રદ્ધાળુઓને ચાલવામાં મુશ્કેલી પડતી હતી અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, જેનો હવે નિકાલ કરવામાં આવ્યો છે.

સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દ્વારકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી અમલ આવટેએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અધિક માસમાં ભક્તોની સંખ્યામાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે, તેથી શ્રદ્ધાળુઓને ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવવા-જવામાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે અમારી પ્રાથમિકતા છે. વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક વેપારીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર માર્ગો પર સામાન ન મૂકે અને યાત્રાધામની સુવ્યવસ્થા જાળવવામાં સહકાર આપે.
​​​​​​​
નોંધનીય છે કે તંત્ર દ્વારા લેવાયેલા આ આકરા પગલાંથી જગતમંદિરની આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ મોકળા બન્યા છે અને સંકડાશમાં ઘટાડો થયો છે. વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માર્ગો પરના દબાણો સામેની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે, જેથી યાત્રિકોને કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application