પશુપાલન ખાતાની ‘પશુધન વીમા સહાય યોજના’નો લાભ લેવા ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પર ૩૦ જૂન સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે
જામનગર જિલ્લાના તમામ પશુપાલકોના આર્થિક હિત અને પશુધનની સુરક્ષા માટે પશુપાલન ખાતા દ્વારા એક અગત્યની યાદી બહાર પાડવામાં આવી છે. જે મુજબ, સરકારશ્રીની સહાયકારી યોજના ‘પશુધન વીમા સહાય’ અંતર્ગત લાભ મેળવવા ઈચ્છતા જિલ્લાના પશુપાલકો માટે આઈ-ખેડૂત (i-khedut) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજીયાત છે. આ કલ્યાણકારી યોજનાનો લાભ પશુપાલકો સુધી સરળતાથી પહોંચાડવા માટે આગામી તારીખ ૦૧ જૂન, ૨૦૨૬ થી તારીખ ૩૦ જૂન, ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી મેળવવા માટેનું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
જિલ્લાના તમામ પશુપાલકોએ નિયત સમયમર્યાદામાં આઈ-ખેડૂત પોર્ટલ પર જઈને આ યોજના અંતર્ગત પોતાની ઓનલાઈન અરજી દાખલ કરવાની રહેશે. અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ મેળવીને, યોજનાના નિયમોનુસાર જરૂરી એવા તમામ સાધનિક કાગળો અને આધાર-પુરાવાઓ સ્કેન કરીને કાં તો પોર્ટલ પર જ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, અથવા તો અરજીપત્રકમાં દર્શાવવામાં આવેલી સંબંધિત નોડલ એજન્સી કે કચેરી ખાતે રૂબરૂ જઈને અરજીની હાર્ડકોપી જમા કરાવવાની રહેશે. જામનગર જિલ્લાના વધુમાં વધુ પશુપાલકો પોતાના પશુધનને વીમા કવચથી સુરક્ષિત કરવા માટે આ યોજનામાં બહોળા પ્રમાણમાં ઓનલાઈન અરજી કરે તેવો નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. આ પશુધન વીમા યોજના અને ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ અંગે કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે વધુ માહિતીની જરૂરિયાત હોય, તો પશુપાલકોએ પોતાના નજીકના પશુ દવાખાનાનો સંપર્ક સાધવા જણાવાયું છે.