BREAKING NEWS

ભાણવડના ઘૂમલીમાં દીપડાના આંટાફેરા

  • April 25, 2026 05:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડના ઘૂમલીમાં દીપડાના આંટાફેરા


આશાપુરા મંદિર પાસે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના ઘૂમલી ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઘૂમલી ગામમાં આવેલા પ્રખ્યાત આશાપુરા મંદિર નજીક એક દીપડો સોચાલયના ધાબા પર નિરાંતે આરામ ફરમાવતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાને પગલે ગ્રામજનો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે અને સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


બરડા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી જંગલી પશુઓ અને દીપડાના માનવ વસાહતોમાં ઘૂસી આવવાના બનાવો વારંવાર બની રહ્યા છે. અવારનવાર જંગલી જાનવરોના ગામમાં ધામાને કારણે સ્થાનિક ખેડૂતો અને રહીશો જીવના જોખમે ખેતી અને રોજિંદા કામ કરવા માટે મજબૂર બન્યા છે. વન્ય પ્રાણીઓના આ પ્રકારના વારંવારના આગમનને કારણે લોકોમાં પણ ભયની લાગણી સતત જોવા મળી રહી છે.


ઘૂમલી ગામે દીપડાના પગરણ થયા હોવાની માહિતી મળતા જ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. આ બાબતે વન વિભાગના અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દીપડાને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું છે. વન વિભાગની ટીમ દ્વારા દીપડાને ઝડપી લેવા માટે ગામના વિવિધ વિસ્તારોમાં અને મંદિરની આસપાસ પેટ્રોલીંગ કાર્યવાહી કરવામાં આવી છે. 


દીપડાના સહેલાઈથી દેખાવાને કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને વહેલી સવારે કે મોડી રાત્રે ખેતરે કે બહાર નીકળતી વખતે સાવધાની રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. ગ્રામજનો હવે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરીને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, જેથી કરીને લોકો ફરી એકવાર નિર્ભયપણે પોતાના કામ કરી શકે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application