BREAKING NEWS

જામનગર: મોખાણા પાસે મળ્યા દિપડાના ફુટપ્રિન્ટ

  • June 23, 2026 12:12 PM 

જામનગર: મોખાણા પાસે મળ્યા દિપડાના ફુટપ્રિન્ટ

ફોરેસ્ટના સ્ટાફ દ્વારા સર્ચ ઓ૫રેશન: પાંજરામાં મારણ મૂકી દીપડાને પકડવા કવાયત 


જામનગર તાલુકાના મોખાણાના વાડી વિસ્તારમાં દીપડા દેખાતા ગ્રામજનોમાં ભય સાથે ફફડાટની લાગણી ફેલાઇ છે. વનવિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી દીપડાને પકડવા મથામણ શરૂ કરવામાં આવી છે. આ દરમ્યાન દીપડાના ફુટ પ્રીન્ટ મળી આવતા આ સ્થળે પાંજરામાં મારણ મૂકી દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરાના બનાવ વધી રહ્યા છે. ત્યારે ગઇકાલે મોડી રાત્રીના જામનગર તાલુકાના મોખાણા ગામના વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હતો. અમુક ગ્રામજનોએ દીપડાને નજરે જોયો હતો. આથી સરપંચને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવની જાણ વનવિભાગને થતાં સ્ટાફ રાત્રીના ઘટના સ્થળે દોડી ગયો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમ્યાન દીપડાના ફુટ પ્રીન્ટ વનવિભાગના અધિકારીઓને મળી આવ્યા હતાં. આથી આ વિસ્તારમાં દીપડો હોવાનું પુરવાર થયું હતું. દીપડાના ફુટ પ્રિન્ટ મળી આવતા ગ્રામજનોમાં ભારે ફફડાટ સાથે ભયની લાગણી પ્રસરી છે. બીજી બાજુ વનવિભાગના અધિકારીઓ દ્વારા સરપંચ સહીત ગ્રામજનો સાથે ચર્ચા કરી દીપડા પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આટલું જ નહીં આજરોજ વનવિભાગ દ્વારા જે સ્થળેથી દીપડો મળી આવ્યો તે સ્થળે પાંજરામાં મારણ મૂકવામાં આવશે. જેથી દીપડાને પાંજરે પૂરી શકાય. અત્રે નોંધનીય છે કે, હાલારના બરડા ડુંગરમાં સિંહ, દીપડા સહીતના જંગલી પ્રાણીઓનો વસવાટ હોય સામાન્ય રીતે ત્યાંથી ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડતા હોવાના કિસ્સા બને છે. ત્યારે મોખાણાના વાડી વિસ્તારમાં દીપડો કયાંથી આવ્યો તે દીશામાં વનવિભાગે તપાસ હાથ ધરી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application