કાલાવડ નાકા રીવર બ્રીજ આજથી છ મહિના માટે બંધ
આજથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઇ: મ્યુ.કમિશનરની જાહેર નોટીસ: આજથી ડીમોલીશનની કામગીરી શરૂ
જામનગરમાં રંગમતી નદી ઉપર કાલાવડ નાકા બહાર આવેલા રીવર બ્રીજને તોડી પાડીને ફરીથી નવો ફોર લેન રીવર બ્રીજ બનાવવા નકકી કરાયુ હતું જેના ભાગ રૂપે ગઇકાલે મ્યુ.કમિશનર ડી.એન. મોદીએ એક જાહેર નોટીસ બહાર પાડી છે તા.૧૭ એપ્રિલથી તા.૧૫ ઓકટો. સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને આ હુકમનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
મ્યુ.કમિશનરે બહાર પાડેલી જાહેર નોટીસમાં જણાવાયુ છે કે બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ કલમ ૩૯૨ની જોગવાઇ અનુસાર જામ્યુકોની હદમાં કાલાવડ નાકા બહાર હયાત રીવર બ્રીજને ડીમોલીશન કરીને નવો ફોર લેન રીવર બ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરવાની હોય, રંગમતી નદીનો હયાત રસ્તો સલામતીના ભાગરૂપે અને અકસ્માત નિવારવાના હેતુથી આજથી તા.૧૭ એપ્રિલથી તા.૧૫ઓકટો. સુધી સમયગાળા દરમ્યાન તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવશે. અને હુકમના ભંગ કરનાર સામે બીપીએમસી એકટ ૧૯૪૯ કલમ ૩૯૨ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે હયાત રીવરબ્રીજનો મુખ્ય માર્ગ બૂંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા રૂપે નદીમાં બનાવવામાં આવેલ સર્વિસ રોડ ખુલ્લો રહેશે. સર્વિસ રોડથી કલ્યાણ ચોક થઇ ટુ વ્હીલર તથા તમામ પ્રકારના નાના વાહનોની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ચાલુ રહેશે. ઉપરાંત ભારે વાહનો માટે જામનગર કાલાવડ રોડની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા નાગનાથ જંકશનથી સુભાષબ્રીજ થઇ અન્નપુર્ણા મંદિરથી મહાપ્રભુજી બેઠક રોડ થઇ ઠેબા બાયપાસ જંકશન તરફ જઇ શકાશે. તેમજ મોરકંડા જામનગર રોડની વ્યવસ્થાના ભાગરૂપે રૂટ પ્રમાણે ચાલુ રહેશે.