જામનગર : રિબેટ યોજનામાં પાંચ દિવસમાં જામ્યુકોને રૂ.૨.૫૨ કરોડની આવક
સર્વરના અવાર-નવાર ધાંધિયાથી લોકો કંટાળ્યા: સિવીક સેન્ટરમાં પણ કનેકટીવીટી અવાર નવાર ઠપ્પ: ઓનલાઇન ટેકસ ભરવાની જાહેરાત કરાયા બાદ સર્વર ડાઉન રહેતા લોકો કંટાળ્યા
જામનગર મહાપાલિકા દ્વારા બે મહિનાની રીબેટ યોજના બહાર પાડવામાં આવી છે જેમાં પાંચ દિવસમાં રૂ.૨.૫૨ કરોડ ની ટેક્ષની આવક થઇ છે પરંતુ અવાર નવાર કનેકટીવીટી ગુલ થઇ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. મહાપાલિકાના વહીવટીતંત્રએ લોકોને થતી હરેાનગતિ દુર કરવાના તાત્કાલિક પ્રયાસ કરવા જોઇએ.
એડવાન્સ ટેકસ ભરનારાઓને ૧૦ થી રપ ટકા સુધી ડીસ્કાઉન્ટ મળે છે જેમાં સીનીયર સીટીઝનને ૧૫ ટકા, સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેકસ ભરનારને બે ટકા, ઓનલાઇન ટેકસ ભરનારને બે ટકા, અને સોલાર સીસ્ટમ લીધા બાદ એક વખત બે ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે. બે મહિના સુધી આ ચાલનારી યોજનામાં કરદાતાઓ દ્વારા ૨.૫૨૮૯૪૨૨ રૂપિયા ભરીને રૂ.૨૩૪૮૮૨૮નું રીબેટ મેળવવામાં આવ્યું છે.
આ ઉપરાંત પાણીના ચાર્જીસ પેટે રૂ. ૨૪૫૮૧૬૧ ચુકવીને ૩૯૪૮૯૭નું વળતર મેળવ્યું છે. પ્રથમ બે દિવસ તો અવાર નવાર સર્વર ડાઉન થયું અને બે સીવીક સેન્ટરોમાં તો કનેકટીવીટી બંધ થઇ ગઇ, લોકો ભારે પરેશાન થયા હતા, રણજીતનગર અને સરૂસેકશન રોડ પર આવેલ સીવીક સેન્ટરોમાં કનેકટીવીટી અવાર નવાર બંધ થઇ જતી હતી. સર્વરના અવાર નવાર ધાંધીયાથી લોકો પરેશાન થઇ ગયા હતા. અને કોર્પોરેશનનો ફોન સતત રણકતો રહ્યો હતો. મ્યુ.કમિશનરે આ અંગે લોકોની તકલીફ દુર કરીને કંટીન્યુ કનેકટીવીટી થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ. તેવી લોકમાંગણી ઉઠવા પામી છે. ખરેખર તો વધુ કોમ્પ્યુટર મુકવા જોઇએ અને કનેકશન ઝડપથી રેગ્યુલર રહે તેવા પ્રયાસો કરવા જોઇએ.