ડીઝલની રામાયણ, જામનગરના ટ્રાન્સપોર્ટ ઉધોગને મરણતોલ ફટકો..!
કપરા ચડાણ: ડીઝલની તંગી વચ્ચે ભાવ વધારા વચ્ચે ટ્રાન્સપોર્ટનું ૫૦ ટકા કામ ઘટી જતાં આર્થિક નુકસાનથી અસતિત્વ ટકાવવું ટ્રાન્પોર્ટરો માટે પડકાર
ટ્રાન્સપોર્ટના ભાડા વધારવા પડે તેમ છે પરંતુ નવા ઓર્ડર ન મળતા હોય ભાડા વધારો ન મળતા બેવડો માર: આ જ સ્થિતિ રહી તો ટ્રકોના પૈંડા થંભી જવાની ભીતિ
અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુઘ્ધના કારણે ડીઝલની રામાયણથી જામનગરના ટ્રાન્સપોર્ટ ઉધોગને મરણતોલ ફટકો પડયો છે. ડીઝલની તંગી વચ્ચે ભાવ વધારા વચ્ચે ટ્રાન્સપોર્ટનું ૫૦ ટકા કામ ઘટી જતાં આર્થિક નુકસાનથી અસતિત્વ ટકાવવું ટ્રાન્પોર્ટરો માટે પડકાર બન્યો છે. આટલું જ નહીં ટ્રાન્સપોર્ટના ભાડા વધારવા પડે તેમ છે પરંતુ નવા ઓર્ડર ન મળતા હોય ભાડા વધારો ન મળતા બેવડો માર પડી રહ્યો છે. આથી જો ડીઝલની આ જ સ્થિતિ રહી તો ટ્રકોના પૈંડા થંભી જવાની ભીતિ નકારી શકાતી નથી.
અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુઘ્ધમાં હજુ કોઇ ચોકકસ સમજૂતી થઇ નથી. આથી ક્રુડ ઓઇલ, ગેસની આયાત-નિકાસ માટે મહત્વની હોર્મુઝની ખાડીમાં હજુ વાહણોનું આવાગમન પૂર્વવત થયું નથી. આથી ભારતમાં ઇંધણની મોકાણ સર્જાઇ છે.
ખાસ કરીને ડીઝલની તંગીએ માઝા મૂકી છે. ડીઝલની અછતની ખેતીનું ચક્ર ખોરવાઇ ગયું છે. બીજી બાજુ ડીઝલની અછત વચ્ચે ભાવ વધારાથી જામનગરના ટ્રાન્સપોર્ટ ઉધોગને મરણતોલ ફટકો પડયો છે. ડીઝલની તંગી અને દીન-પ્રતીદીન વધતા ભાવથી ટ્રક ટ્રાન્સપોર્ટ ઉધોગનું અસતિત્વ ટકાવવું ટ્રાન્સપોર્ટરો માટે એક મોટો પડકાર બન્યો છે. જામનગર ગુડસ ટ્રાન્સપોર્ટર્સ એન્ડ કમીશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ મહાદેવસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ડીઝલની તંગી અને સતત વધતા ભાવથી ટ્રક ટ્રાન્સપોર્ટ ઉધોગ ચલાવવો એ હાલના સમયમાં લોઢાના ચણા સમાન બન્યો છે. કારણ કે, એકબાજુ ડીઝલ પુરતું મળતું નથી, બીજી બાજુ ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિમાં ટ્રાન્સપોર્ટના ભાડા વધારવાની માંગ છે. પરંતુ ખાડી યુઘ્ધ તથા અન્ય પરિબળોને કારણે વૈશ્ર્વીક સ્થિતિ ડામાડોળ હોય ચીજ-વસ્તુ અને માલની આયાત-નિકાસને ભારે ફટકો પડયો છે. આથી માલની આયાત-નિકાસના નવા ઓર્ડર મળતા નથી. આથી ટ્રાન્સપોર્ટના ભાડા વધારો મળતો નથી. જેના કારણે હાલમાં ટ્રાન્સપોર્ટ ઉધોગમાં કામ કરતા કર્મચારીઓના દરરોજના ભથ્થા અને પગારનો ખર્ચ કાઢવો પણ નીકળતો નથી.
આટલું જ નહીં ટ્રાન્સપોર્ટ ઉધોગના કામકાજમાં અડધો અડધ એટલે કે ૫૦ ટકાનો ઘટાડો થતાં ટ્રાન્સપોર્ટરોને ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે. ડીઝલની શોર્ટ સપ્લાયના કારણે આયાત અને નીકાસ થતાં ચીજ-વસ્તુ અને માલની ડીલીવરી સમયસર મળતી નથી. આથી ખર્ચ વધતા બેવડો માર પડી રહ્યો છે. જામનગરથી જિલ્લા તથા ગુજરાત અને અન્ય રાજયમાં જતાં ટ્રકોને પેટ્રોલપંપો પર પુરતું ડીઝલ મળતું નથી. આથી માલભરેલા ટ્રકોને પેટ્રોલપંપો પર કલાકો સુધી કતારોમાં ઉભું રહેવું પડે છે. ઘણા કિસ્સામાં લાઇનોમાં ઉભા રહ્યા બાદ પેટ્રોલ પંપો પરથી ડીઝલ મળતું નથી. જેના કારણે માલની ડીલીવરીમાં વિલંબ થઇ રહ્યો છે. બીજી બાજુ ડીઝલના ભાવ વધારાએ ટ્રાન્સપોર્ટ ઉધોગની કમર તોડી નાખી છે તેમ તેમણે ઉમેર્યું હતું. જો ડીઝલની અછત અને ભાવ વધારાની આ જ સ્થિતિ રહી તો અનેક ટ્રકના પૈંડા થંભી જવાની ભીતિ પણ નકારી શકાતી નથી. અત્રે નોંધનીય છે કે, જામનગર શહેર-જિલ્લામાં ૬૦૦૦થી વધુ ટ્રક માર્ગો પર દોડી રહ્યા છે. તદઉપરાંત બ્રાસપાર્ટસ, મીનરલ્સ, મીઠું, બોકસાઇટ, અનાજ સહીતની ચીજ-વસ્તુ અને માલસામાનની જામનગરથી ગુજરાત અને અન્ય રાજયોમાં ટ્રક દ્વારા આયાત-નિકાસ એટલે કે પરીવહન કરવામાં આવે છે.