જામનગરના મોખાણાની સીમમાં દેખાયેલો દીપડો અન્ય સ્થળે ચાલ્યા ગયાનું અનુમાન
દીવસે અને રાત્રે કરેલી તપાસમાં દીપડાના ફુટ પ્રિન્ટ ન મળ્યા
વનવિભાગના અધિકારીઓએ ભયભીત ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી સમજણ આપી
જામનગર તાલુકાના મોખાણાની સીમમાં વાડી વિસ્તારમાં દેખાયલો દીપડી અન્ય સ્થળે ચાલ્યા ગયાનું અનુમાન વનવિભાગના અધિકારીઓએ વ્યકત કર્યું છે. ગઇકાલે વનવિભાગના સ્ટાફે દીવસે અને રાત્રીના કરેલી તપાસમાં દીપડાના કોઇ નવા ફુટ પ્રિન્ટ મળ્યા નથી. વનવિભાગના અધિકારીઓએ ભયભીત ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી સમજણ આપી હતી.
જામનગર તાલુકાના મોખાણા ગામના વાડી વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રીના દીપડો દેખાયો હતો. અમુક ગ્રામજનોએ દીપડાને નજરે જોયો હતો. આ બનાવની જાણ વનવિભાગને થતાં સ્ટાફ રાત્રીના ઘટના સ્થળે દોડી ગયો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ દરમ્યાન દીપડાના ફુટ પ્રીન્ટ મળી આવ્યા હતાં. આથી આ વિસ્તારમાં દીપડો આંટાફેરા કરતો હોવાનું પુરવાર થતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ સાથે ભયની લાગણી પ્રસરી છે. બીજી બાજુ વનવિભાગના અધિકારીઓ દ્વારા સરપંચ સહીત ગ્રામજનો સાથે ચર્ચા કરી દીપડાને પકડી પાડવા પાંજરામાં મારણ મૂકવા સહીતની કાર્યવાહી હાથ ધરી હતી.
પરંતુ ગઇકાલે સવારથી દીવસભર અને રાત્રીના પણ વનવિભાગના સ્ટાફે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ દીપડાના કોઇ નવા ફુટ પ્રિન્ટ મળી આવ્યા ન હતાં. આથી પાંજરૂ મૂકવામાં આવ્યું ન હતું. આટલું જ નહીં મોખાણામાં જે સ્થળે દીપડો દેખાયો તે સ્થળ ડેમ વિસ્તાર હોય દીપડો અન્ય સ્થળે ચાલ્યા ગયાનું અનુમાન વનવિભાગના અધિકારીઓએ વ્યકત કર્યું છે. આ ગામમાં દીપડો પ્રથમ વખત દેખાતા ભયભીત ગ્રામજનો સાથે વનવિભાગના અધિકારીઓએ બેઠક કરી હતી. જેમાં અધિકારીઓએ ગ્રામજનો સાથે ચર્ચા-વિચારણા કરી ખોટો ભય ન રાખવા સમજણ આ૫ી હતી.