BREAKING NEWS

રાજકોટ ખાતે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જામનગર ટીમનો દમદાર દેખાવ, બે મેચમાં પ્રભાવશાળી વિજય...

  • March 13, 2026 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ખાતે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જામનગર ટીમનો દમદાર દેખાવ, બે મેચમાં પ્રભાવશાળી વિજય...
​​​​​​​

રાજકોટ ખાતે હાલ BCCI તથા SCA (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન)ના સંયુક્ત આયોજન હેઠળ ચાલી રહેલી ત્રણ દિવસીય ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટીમે ઉત્તમ અને પ્રભાવશાળી દેખાવ કરી ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ જગાવ્યો છે. જામનગરની ટીમે પોતાના પ્રથમ બે મુકાબલામાં જ શાનદાર રમત બતાવીને વિજય મેળવતા ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.

ટૂર્નામેન્ટનો પહેલો મુકાબલો તારીખ 1 માર્ચના રોજ જામનગર ડિસ્ટ્રિક્ટ ટીમ અને રેલ્વે ટીમ વચ્ચે રમાયો હતો. આ મુકાબલામાં જામનગરની ટીમે પહેલી ઇનિંગમાં 388 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો, જ્યારે બીજી ઇનિંગમાં ટીમે 153 રન બનાવ્યા હતા. સામે રેલ્વે ટીમ પહેલી ઇનિંગમાં 202 રન સુધી જ સીમિત રહી હતી. બીજી ઇનિંગમાં રેલ્વે ટીમે જોરદાર પ્રયત્નો કર્યા છતાં 321 રન સુધી જ પહોંચી શકી હતી. અંતે જામનગરની ટીમે આ મુકાબલો 18 રનથી પોતાના નામે કર્યો હતો. આ મેચમાં પુષ્કર કુમારે શાનદાર બેટિંગ કરતા 170 રનની યાદગાર ઇનિંગ રમી હતી, જેના કારણે ટીમને મહત્વપૂર્ણ લીડ મળી હતી.

બીજો મુકાબલો તારીખ 9 માર્ચથી રાજકોટ B ટીમ સામે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયો હતો. આ મેચમાં પણ જામનગર ટીમે શરૂઆતથી જ દમદાર રમત બતાવી હતી. પહેલી ઇનિંગમાં દિવ્યરાજ ચૌહાણે શાનદાર બેટિંગ કરી 202 બોલમાં 215 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. તેમના સાથે પુષ્કર કુમારે પણ 168 બોલમાં 135 રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ઉપરાંત સુલતાન જોખીયાએ 57 બોલમાં 45 રન અને રોહન મથરે 20 બોલમાં 25 રન બનાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ રીતે જામનગર ટીમે પહેલી ઇનિંગમાં 488 રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો હતો.

આ મોટો સ્કોરનો પીછો કરતા રાજકોટ B ટીમ પહેલી ઇનિંગમાં 87.5 ઓવરમાં 337 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં જામનગર ટીમ ફરી બેટિંગ માટે ઉતરી હતી, જેમાં જય રાવલિયાએ જબરદસ્ત પ્રદર્શન કરતા 168 રન બનાવ્યા હતા. પુષ્કર કુમારે 65 રન અને કેરવ રાવલે 48 રન બનાવી ટીમના સ્કોરમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.

વિજય માટે મળેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજકોટ B ટીમ બીજી ઇનિંગમાં 45 ઓવરમાં ફક્ત 272 રન સુધી જ પહોંચી શકી હતી. પરિણામે જામનગર ડિસ્ટ્રિક્ટ ટીમે આ મુકાબલો 227 રનથી ભવ્ય રીતે જીતી લીધો હતો.

આ બંને મુકાબલામાં જામનગર ટીમના ખેલાડીઓએ શાનદાર બેટિંગ અને ટીમવર્કનો ઉત્તમ દેખાવ કરતા ટીમને સતત સફળતા અપાવી છે. ખેલાડીઓની આ સિદ્ધિથી જામનગર જિલ્લાના ક્રિકેટપ્રેમીઓમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ છે.

જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના મેનેજર ભરતભાઈ મથરે ટીમના પ્રદર્શન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ખેલાડીઓએ ખૂબ જ મહેનત અને એકાગ્રતા સાથે રમત રમતા ઉત્તમ પરિણામ મેળવ્યા છે અને આગામી મુકાબલાઓમાં પણ ટીમ તરફથી આવો જ પ્રભાવશાળી દેખાવ જોવા મળશે તેવી આશા વ્યક્ત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News