આઇપીએલના દિગ્ગજોનું જામનગરમાં આગમન
મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ અંબાણી પરિવારના મહેમાન બન્યા: વનતારા પ્રોજેક્ટથી થયા પ્રભાવિત
જામનગર હાલના દિવસોમાં દેશ-વિદેશના મહાનુભાવો અને સેલિબ્રિટીઝ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને રિલાયન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિશ્વસ્તરીય ’વનતારા’ એનિમલ ક્ધઝર્વેશન પ્રોજેક્ટની મુલાકાત લેવા માટે દેશના દિગ્ગજો સતત જામનગર આવી રહ્યા છે. આ કડીમાં હવે આઇપીએલની ધમાકેદાર સીઝન વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સની સ્ટાર ખેલાડીઓની ટીમ જામનગર પહોંચતા વાતાવરણમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. શુક્રવારે બપોર બાદ જામનગર એરપોર્ટ પર જ્યારે ક્રિકેટ જગતના આ દિગ્ગજોનું આગમન થયું ત્યારે તેમને જોવા માટે લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.
આ મુલાકાતમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા, હિટમેન રોહિત શર્મા, વર્લ્ડ ક્લાસ બોલર જસપ્રીત બુમરાહ, યુવા પ્રતિભા તિલક વર્મા, લસિત મલિંગા અને ટ્રેન્ટ બોલ્ટ સહિતના ખેલાડીઓ જોવા મળ્યા હતા. હવાઈ માર્ગે જામનગર પહોંચ્યા બાદ ખેલાડીઓનું આગમન થતાં જ સુરક્ષાના સઘન બંદોબસ્ત વચ્ચે તેમને રિલાયન્સ ગ્રીન્સ તરફ લઈ જવામાં આવ્યા હતા. વિશાળ કારના કાફલા સાથે ખેલાડીઓ જ્યારે રિલાયન્સ પરિસરમાં પ્રવેશ્યા ત્યારે તેઓ અંબાણી પરિવારના ખાસ મહેમાન બન્યા હતા.
આ મુલાકાતનું સૌથી મહત્વનું પાસું રિલાયન્સનો અત્યાધુનિક ’વનતારા’ પ્રોજેક્ટ રહ્યો છે. પ્રાણીઓના સંરક્ષણ, સારવાર અને કલ્યાણ માટે દુનિયાભરમાં ચર્ચામાં રહેલા આ પ્રોજેક્ટને નિહાળવા માટે ક્રિકેટના આ દિગ્ગજો ઉત્સુક હતા. મેદાન પર પોતાની બેટિંગ અને બોલિંગના પરાક્રમોથી લાખો પ્રેક્ષકોનું દિલ જીતનાર આ ખેલાડીઓએ વનતારાની મુલાકાત દરમિયાન વિવિધ પ્રાણીઓ અને તેમના સંવર્ધન માટે કરવામાં આવેલી અદભૂત વ્યવસ્થાઓને નજીકથી જોઈ હતી. કુદરત અને પ્રાણીઓ પ્રત્યેના લગાવને કારણે ખેલાડીઓ પણ આ પ્રોજેક્ટની મુલાકાતથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આઇપીએલની વ્યસ્ત અને દોડધામભરી સીઝન વચ્ચે આ ખેલાડીઓ માટે જામનગરની આ મુલાકાત એક શાંતિપૂર્ણ અને યાદગાર અનુભવ સાબિત થઈ રહી છે. અંબાણી પરિવારના અતિથિ બનીને આવેલા આ ક્રિકેટરોએ રિલાયન્સ ગ્રીન્સના પ્રકૃતિમય વાતાવરણમાં થોડો સમય ગાળીને આગામી મેચો માટે નવો ઉત્સાહ અને ઉર્જા મેળવી હતી. મુંબઈ ઇન્ડિયન્સના આ સિતારાઓની જામનગર મુલાકાત સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓ માટે પણ ચર્ચાનો વિષય બની છે.