ખંભાળિયામાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગૌભક્તોનો શંખનાદ
વિશાળ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો ઉમટી પડ્યા : સમગ્ર વાતાવરણ જય ગૌ માતાના નાદથી ગુંજી ઉઠ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં આજે ગૌ માતાના સન્માન અને રક્ષણ માટે હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શંખનાદ કરવામાં આવ્યો હતો. ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત યોજાયેલી આ વિશાળ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો ઉમટી પડ્યા હતા. શહેરના જોધપુર ગેઈટ ખાતેથી શરૂ થયેલી આ રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો, યુવાનો અને વડીલો કેસરીયા ધ્વજ તેમજ ગૌ માતાના પોસ્ટરો સાથે જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ જય ગૌ માતાના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
શહેરના મુખ્ય માર્ગો પર ફરેલી આ રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. રેલીના અંતે ગૌભક્તોનું પ્રતિનિધિ મંડળ મામલતદાર કચેરીએ પહોંચ્યું હતું, જ્યાં તેઓએ આવેદનપત્ર પાઠવીને ગાય માતાને બંધારણીય રીતે રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની પ્રબળ માંગ કરી હતી.
આ સાથે જ ગૌવંશની રક્ષા માટે દેશભરમાં કડક કાયદા બનાવવા, ગૌરક્ષકો પર થતા હુમલા અટકાવવા અને કાયદાની ચુસ્ત અમલવારી કરવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. ગૌભક્તોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી હતી કે ગાય માતાના ગૌરવ અને સન્માન માટે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તે અનિવાર્ય છે.