ખંભાળીયા નજીક આશ્રમ ખાતે ચોરી કરનાર રીઢા તસ્કર સહિતની ટોળકી ઝબ્બે
૩.૫૧ લાખનો મુદામાલ કબ્જે : કચ્છ જીલ્લાના કુકમા ગામે થયેલ ઘરફોડ સહિત બે ગુનાના ભેદ ખુલ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા-જામનગર નેશનલ હાઇવે પર આવેલ ગુરૂ-ગેબી નકલંક આશ્રમ ખાતે થયેલ રાત્રિ-ઘરફોડનો ગુન્હો આચરનાર આજીવન કેદના કેદી સહિત ચોરી-ઘરફોડના આશરે ૨૦ થી પણ વધુ ગુન્હા આચરનાર રીઢા આરોપી સહિત કુલ ૫ આરોપીઓને ૩.૫૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી પશ્ચિમ કચ્છ જીલ્લાના કુકમાં ગામે થયેલ ૬,૩૭,૭૮૦ની રાત્રિ-ઘરફોડના ગુન્હા સહિતના કુલ બે વણ-શોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવ્યા છે.
રાજકોટ-વિભાગ રાજકોટના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસીંહ વાળા દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનતા ગંભીર પ્રકારના શરીર અને મિલકત સંબંધી ગુન્હા વણ-શોધાયેલ ના રહે તે માટે કેવી રીતે પરિણામલક્ષી કાર્યવાહી કરી શકાય તે અર્થે જરૂરી માર્ગદર્શન અને સલાહ સુચનો આપેલ હોય તે અનુસંધાને, દેવભુમિ દ્વારકા જિલ્લાના, ખંભાળીયા-જામનગર નેશનલ હાઇવે પર આવેલ, ગુરૂ-ગેબી નકલંક આશ્રમ ખાતેના રહેણાંક મકાને તા.૦૭/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રી દરમ્યાન ૧,૨૦,૦૦૦ની ઘરફોડ ચોરી થયેલ હોય તે મતલબેની હિરેનભાઇ શિવરામભાઇ હરીયાણી રહે. ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકા વાળાએ ફરિયાદ આપતા ખંભાળીયા પો.સ્ટે. ખાતે આપી હતી.
ખંભાળીયા-વિભાગ ખંભાળીયાના નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ તથા ખંભાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સી.આર.રાણાના સીધા માર્ગદર્શન હેઠળ ટીમ વર્ક કરી આ કામના વણ-શોધાયેલ ગુન્હાને શોધી કાઢી આરોપીને મુદામાલ સાથે પકડી પાડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય તે અનુસંધાને ખંભાળીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. સરતાજ સોંધ તથા સર્વેલેન્સના પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસીંહ જાડેજા તથા એ.એસ.આઇ. હરપાલસીંહ જાડેજા નાઓએ સાથે મળી ટીમ વર્ક કરી હ્યુમન તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ કરતા આ કામના આરોપીઓએ આ કામનો ગુન્હો આચરતી વખતે મારૂતી કંપનીની અર્ટીગા ફોરવ્હીલનો ઉપયોગ કરેલ હોય તે પકડી પાડયા હતા.
પકડાયેલ આરોપીઓમાં હનીફ ઉર્ફે હનફો ચોર હુશેનભાઇ સના રહે.જોળીયા ભુંગા, બેડીપોર્ટ બંદર પાસે, જામનગર, અલ્તાફ હારૂનભાઇ શાહમદાર રહે. ગુલઝાર પાર્ક, મીનાજ મસ્જીદ પાસે, ધોરાજી જી.રાજકોટ, મામદશા અલીશા શાહમદાર રહે, માધાપર ભુંગા, બેડીપોર્ટ પાસે જી.જામનગર, સુલ્તાન હુશેનભાઇ સના રહે.જોળીયા ભુંગા, બેડીપોર્ટ બંદર પાસે, જામનગર, પકડવા બાકી આરોપીમાં ગુલાબશાહ ગીગાશાહ શાહમદાર રહે.શેઠ વડાળા, તા.જામજોધપુર, જી.જામનગર (હાલ રાજકોટ સેન્ટ્રલ-જેલ)નો સમાવેશ થાય છે.
પોલીસ દ્વારા રોકડા ૩૧૫૦૦, સોનાનો દાણો, ચાંદીનો જુડો, કેડ કંદોરો, બે વીંટી, ચાંદની કડલીની જોડ, ચાંદીનો સિકકો, ચાંદીનુ પેડલ મળી ૫૦૯૪૯ તથા ૩ લાખ ની કિંમતની કાર કબ્જે કરી હતી. પધર પોલીસ સ્ટેશન અને ખંભાળીયા પોલીસ સ્ટેશનના ગુના શોધી કાઢયા છે.
પકડાયેલ આરોપી હનીફ શના સામે જામનગર સીટી-સી ડીવીઝનમાં ૧૧ ગુના, બી-ડીવીઝનનો ૧, બેડી મરીનના ૯, કંડલા મરીનનો ૧ મળી ૨૨ ગુનામાં સંડોવાયેલ છે. ગુલાબશાહ સામે ધોરાજી અને ગોંડલમાં બે ગુના દાખલ થયેલ છે, મામદશાહ વિરુઘ્ધ ખંભાળીયામાં એક ગુનો નોંધાયેલ છે.