જામનગર: સી-ટીમ દ્વારા જી.જી. હોસ્પિટલ અને જોગર્સ પાર્ક વિગેરે વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ
મહિલા, બાળકો અને સિનિયર સિટીઝન સહિતના નાગરિકોની સુરક્ષા અંગે વિશેષ જનજાગૃતિ અભિયાન
જામનગર શહેરમાં મહિલા, બાળકો તથા સિનિયર સિટીઝનની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ જાહેર સ્થળોએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર શનિવારે સાંજે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની શી ટીમ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે જી.જી. હોસ્પિટલ તેમજ જોગર્સ પાર્ક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
હાલ ઉનાળુ વેકેશન દરમિયાન ગાર્ડન અને જાહેર સ્થળોએ લોકોની અવરજવર વધુ રહેતી હોવાને કારણે તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જાહેરજનતાને મહિલા અને બાળકોની સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ છેડતી કે અન્ય કોઈ અણબનાવ જેવી ઘટના બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા સમજ આપવામાં આવી હતી.
સી-ટીમ દ્વારા ખાસ કરીને મહિલાઓ અને બાળકોને સતર્ક રહેવા, અજાણ્યા વ્યક્તિઓથી સાવચેત રહેવા તેમજ જરૂર જણાય ત્યારે પોલીસ અને શી ટીમની મદદ મેળવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ, સાયબર ક્રાઇમ, ઓનલાઈન છેતરપિંડી અને મોબાઇલ ફ્રોડ જેવા ગુનાઓથી બચવા માટે જરૂરી સાયબર અવેરનેસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
જી.જી. હોસ્પિટલ કેમ્પસમાં ખાસ કરીને મહિલા દર્દીઓ સંબંધિત વોર્ડની આસપાસ બિનજરૂરી રીતે બેસી રહેતા શંકાસ્પદ લોકોને પૂછપરછ કરવામાં આવી હતી. ઉપરાંત સે ટુ નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત યુવાઓ અને નાગરિકોને નશા તથા વ્યસનથી દૂર રહેવા સમજ આપવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન ટ્રાફિક ડ્રાઇવ પણ હાથ ધરવામાં આવી હતી અને વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ ટીમ દ્વારા નાગરિકોને ઈમરજન્સી સેવા માટે કાર્યરત ૧૧૨ હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮, સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ તેમજ મહિલા હેલ્પલાઇન ૧૮૧ અંગે માહિતી આપી જરૂરિયાત સમયે તેનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.
અંતમાં શહેરના નાગરિકોને કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ, ગુનાહિત હિલચાલ અથવા તકલીફ અંગે તાત્કાલિક સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અથવા શી ટીમનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત સમગ્ર કામગીરી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સીટી બી. ડિવિઝનના પીઆઇ એન. એમ. ગઢવી તથા ડી. સ્ટાફ ના પીએસઆઇ ડી.જી. રાજ અને મહિલા પીએસઆઇ એમ એન મહેતા તથા અન્ય સર્વેલન્સ સ્ક્વોર્ડ તથા મહિલા વિભાગની સી-ટીમ દ્વારા કરવામાં આવી હતી.