જામનગર: વ્હોરાના હજીરા પાસે ગુજરી બજારમાં બે રેકડીધારકોના પરિવારો વચ્ચે ડખ્ખો
રેકડી રાખવાના પ્રશ્ર્ને એકબીજાને માર માર્યાની સામ સામે ફરિયાદ
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે દર રવિવારે ભરાતી ગુજરી બજારમાં ગઈકાલે બે રેકડી ધારકો વચ્ચે પોતાની રેકડીઓ ઉભી રાખવાના પ્રશ્નને ઝઘડો થયો હતો, અને બંને પક્ષે સામ સામે હુમલા કરાયા હતા. આ બનાવ અંગે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરીયાદી મદની ઇસ્માઇલભાઈ બીડીવાલા (ઉંમર ૨૦ વર્ષ, રહે. કલ્યાણચોક, જામનગર) રવિવારી બજારમાં ગરમ મસાલાની રેકડી રાખી વેપાર કરતા હતા. તે દરમિયાન આરોપી પક્ષે રેકડી હટાવવા બાબતે ઝઘડો શરૂ કર્યો હતો.
આરોપી બીલાલ ઇજારાવાલા દ્વારા ફરીયાદીને ગાળો આપી ઝઘડો કરવામાં આવ્યો હતો અને પછી લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ફરીયાદીના કપાળમાં ઈજા પહોંચી હતી. ફરીયાદીના નાના ભાઈને પણ જમણા પગમાં પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. જ્યારે ફરીયાદીની માતા બચાવવા માટે વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમને પણ ગાળો આપી ધમકી આપી હતી. ઘટનાસ્થળે લોકો ભેગા થતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે સીટી બી. ડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) હેઠળ બીલાલ ઇજારાવાલા, રફીક ઇજારાવાલા તથા સલમાબેન ઇજારાવાલા અને ફીરદોશબેન ઇજારાવાલા તથા સકીનાબેન ઇજારાવાલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
જ્યારે સામાં પક્ષે અલસફા સોસાયટીમાં રહેતા સલમાબેન રફીકભાઈ ઈજારાવાલા (૩૬ વર્ષ)નો દિકરો રવિવારી બજારમાં રેકડી રાખી વેપાર કરતા હતા. તે દરમિયાન આરોપી પક્ષ સાથે રેકડી રાખવા બાબતે વિવાદ થયો હતો.
આ અંગે આરોપી શહેનાઝબેન ઈસ્માઈલભાઈ બીડીવાલાએ ફરીયાદીને ફોન કરી માહિતી આપતા, ફરીયાદી સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં આરોપીએ ફરીયાદીને ગાળો આપી ઝઘડો કર્યો હતો.
ત્યારબાદ આરોપી શહેનાઝબેને લોખંડના વજનતોલા વડે ફરીયાદીના છાતીના ભાગે માર માર્યો હતો, જ્યારે આરોપી મદની ઈસ્માઈલભાઈ બીડીવાલાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. બંને આરોપીઓએ એકબીજાની મદદથી હુમલો કર્યો હતો.
આ બનાવ અંગે સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.