જામનગરમાં કેનાલ પર કેરણના ઢગલા, ૧૦થી વધુ વિસ્તારોમાં પાણી ભરાવાની ભીતિ
મન૫ા ઘ્યાન દે: કીર્તીપાનથી ઘાંચીની ખડકી સુધીના ૮૦ ફુટના રોડ પર મહાવીરનગર પછી બંને બાજુ કાટમાળના ડુંગર ખડકાતા માર્ગ બન્યો સાંકડો
નવા માર્ગ પર સોનાની થાળીમાં લોઢાની મેખની સ્થિતિ: મનપાના આંખ આડા કાન: રહેવાસીઓ અને વાહનચાલકો ત્રાહીમામ: યુઘ્ધના ધોરણે કાર્યવાહી જરી
જામનગરમાં કીર્તીપાનથી ઘાંચીની ખડકી સુધીના ૮૦ ફુટના રોડ પર મહાવીરનગર પછી વરસાદી પાણીના નિકાલની કેનાલ પર કેરણના ઢગલાથી આજુબાજુના ૧૦ થી વધુ વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરવાની ભીતિ સર્જાઇ છે. આટલું જ નહીં રોડ પર બંને બાજુ કાટમાળના ડુંગર ખડકાતા માર્ગ સાંકડો બન્યો છે. આથી રહેવાસીઓ અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. આટલું જ નહીં નવા ૮૦ ફુટના માર્ગ પર સોનાની થાળીમાં લોઢાની મેખની સ્થિતિ જોવા મળી રહી છે. આથી કેરણ અને કાટમાળના ઢગલા દૂર કરવા યુઘ્ધના ધોરણે કાર્યવાહી કરવી જરૂરી બની છે.
જામનગરમાં ચોમાસા પૂર્વે મહાનગરપાલીકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત શહેરમાં જુદા જુદા સ્થળે આવેલી વરસાદી પાણીના નિકાલની કેનાલો અને રંગમતી નદીની સફાઇ કરવામાં આવી રહી છે. પરંતુ મનપાની પ્રિમોન્સુન કામગીરી એક અણઉકેલ કોયડા સમાન બની છે. કારણ કે, થોડા દીવસો પૂર્વે શહેરમાં ફકત પોણો ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આટલું જ નહીં કેનાલોમાં પણ ગંદકી અને કચરાનું સામ્રાજય જોવા મળતા આ તે કેવી પ્રિમોન્સુન કામગીરી તે સવાલ ઉઠયો છે. આ સ્થિતિમાં શહેરમાં કીર્તીપાનથી ઘાંચીની ખડકી સુધીના ૮૦ ફુટના રોડ પર મહાવીરનગર પછી માર્ગની બંને બાજુ કાટમાળ અને કેરણના ઢગલાંથી આશ્ર્ચર્યની સાથે અનેક સવાલો ઉભા થયા છે.
નવાઇની વાત તો એ છે કે, આ માર્ગની એકબાજુ વરસાદની પાણીના નિકાલની આવેલી છે. જે મહાનગરપાલીકા દ્વારા પેક કરવામાં આવી છે. જો કે, એક સ્થળે જાળી રાખવામાં આવી છે. ભારે વરસાદ થાય ત્યારે ઉપરવાસથી વરસાદી પાણી આ કેનાલમાંથી થઇ કાલાવડ નાકા પુલ સુધી પહોંચે છે. પરંતુ આ કેનાલ પર કાટમાળ અને કેરણના બેફામ ઢગલા કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આ માર્ગ સાંકડો બનતા વાહનચાલકો અને રાહાદરીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બીજી બાજુ ભારે વરસાદ થશે તો કાટમાળ અને કેરણનું ધોવાણ થઇ કેનાલમાં જશે અને કેનાલમાં પાણીના નિકાલમાં અવરોધરૂપ બનશે. આથી હર્ષદમીલની ચાલી, બાઇનીવાડી, નીલકંઠ નગર, મહાવીરનગર, પટેલપાર્ક, પટેલ નગર, વીયાના સોસાયટી, ધનઅર્પૂવ રેસીડન્સી, મારૂતિપાર્ક, ઘાંચીની ખડકી સહીતના વિસ્તારોમાં ભારે વરસાદમાં જળબંબાકારની ભીતિ સર્જાઇ છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લાં બે-ત્રણ વર્ષથી આ માર્ગ પર કેરણ અને કાટમાળના ખકડલા થઇ રહ્યા છે. ત્રણેક વર્ષ પૂર્વે ભારે વરસાદમાં ઉપરોકત વિસ્તારોમાં કેડ સુધી વરસાદી પાણી ભરાયા હતાં. આટલું જ નહીં આ વિસ્તારોમાં ૨૦૦૦ થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે વરસાદી પાણીના નિકાલની કેનાલ પર કાટમાળના ડુંગર સમાન ખડકલાથી ભારે આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. ત્યારે મહાનગરપાલીકા આ બાબતે તાકીદે કાર્યવાહી કરી જવાબદારો સામે પગલાં લઇ આ કાટમાળના ઢગલાં દૂર કરશે કે કેમ તે જોવાનું રહ્યું.
રાત્રીના સમયે કેરણ-કાટમાળ ઠાલવવામાં આવે છે, રહેવાસીઓની ફરિયાદો:
શહેરમાં હર્ષદમીલની ચાલી, બાઇનીવાડી સહીતના વિસ્તારો માટે મહત્વના ૮૦ ફુટના માર્ગ પર મહાવીરનગર પછી બંને બાજુ કેરણ અને કાટમાળના ઢગલાં કરવામાં આવ્યા છે. આથી આ માર્ગ સાંકડો બન્યો છે. આ માર્ગ પર રાત્રીના સમયે અંધારાનો લાભ લઇ કેરણ અને કાટમાળ ઠાલવવામાં આવતો હોવાની ફરિયાદો રહેવાસીઓએ કરી છે. ત્યારે અનઅધિકૃત રીતે માર્ગ પર કેરણ અને કાટમાળ કોણ ઠાલવી રહ્યું છે તપાસનો વિષય બન્યો છે તો આ કાટમાળ ઠાલવી રહેલા શખ્સો સામે પગલાં લેવાશે કે કેમ તે જોવાનું રહ્યું.
કેરણ-કાટમાળનો આસામીઓએ શહેરની બહાર યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનો હોય છે:
શહેરમાં આસામીઓએ કેરણ-કાટમાળનો શહેરની બહાર યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનો નિયમ છે. પરંતુ આસામીઓ દ્વારા શહેરમાં ઘણાં સ્થળોએ નિયમ વિરૂઘ્ધ કેરણ-કાટમાળના માર્ગો તથા અન્ય સ્થળો પર ઢગલાં કરવામાં આવી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, આમ છતાં આ આસામીઓ સામે મહાનગરપાલીકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જે પણ એક નરી વાસ્તવીકતા છે. બીજી બાજુ મનપાની કામગીરી કરી રહેલા કોન્ટ્રાકટરો દ્વારા પણ માર્ગો પર કેરણ અને કાટમાળના ખડકલા કરવામાં આવી રહ્યા છે.