તા. 17 ઓક્ટોબરથી દિવાળીનું 21 દિવસનું વેકેશન શરૂ થશે
નવરાત્રીના દિવસો પૂરા થઈ ગયા છે અને આજે દશેરાની રજા છે. આવતીકાલથી રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં છ માસિક પરીક્ષાઓનો પ્રારંભ થનાર હોવાથી નવરાત્રિના તહેવારો પૂરા થયા બાદ તુરત જ વિદ્યાર્થીઓને હવે શૈક્ષણિક માહોલમાં આવી જવાનું રહેશે.
સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 અને ધોરણ 9 થી 12 ની આ છ માસિક પરીક્ષાઓની તૈયારીઓ મોટાભાગે તો નવરાત્રિના તહેવારો પહેલા જ શાળા સંચાલકોએ પૂરી કરી દીધી હતી અને હવે આવતીકાલથી રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓની છ માસિક પરીક્ષા શરૂ થવાની છે.
દિવાળીના તહેવારો વડે હવે માત્ર 18 દિવસ બાકી છે. પરીક્ષાઓ પૂરી થયા પછી થોડા દિવસો માટે શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે. પરંતુ જ્યાં પરીક્ષા લાંબો સમય ચાલશે ત્યાં પરીક્ષા પૂરી થયા બાદ તુરત જ એટલે કે તારીખ 17 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થઈ જશે.
વર્ષ દરમિયાન ત્રણ -ત્રણ મહિનાના અંતરે એકમ કસોટી લેવાનો નિર્ણય આ વર્ષે શિક્ષણ વિભાગે લીધો છે અને તેમાં વાર્ષિક તથા છ માસિક પરીક્ષા પણ રેગ્યુલર રીતે લેવા માટેની સૂચના આપી છે, આમ શાળામાં આખું વર્ષ પરીક્ષાની અને મૂલ્યાંકનની કામગીરી ચાલુ રહે છે.
નવરાત્રી ના તહેવારો બાદ શરૂ થતી 6 માસિક પરીક્ષા પૂરી થયા બાદ તુરત જ દિવાળીના તહેવારો શરૂ થશે અને નવું શૈક્ષણિક સત્ર પણ દિવાળી પછી શરૂ થશે. નવરાત્રીના તહેવારો દરમિયાન પરીક્ષાની પૂરી તૈયારી વિદ્યાર્થીઓ ન કરી શક્યા હોવાની પણ રજૂઆતો થઈ રહી છે. પરંતુ શિક્ષણ વિભાગે શેડ્યુલ નક્કી કર્યા છે તે મુજબ આવતીકાલથી છ માસિક પરીક્ષાઓ શરૂ થશે અને તે દિવાળીના તહેવારો પૂર્વેના થોડા દિવસો પહેલા જ પૂરી થશે.