વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને જામનગર શહેર-જિલ્લાનો સમગ્ર વિસ્તાર “નો ફ્લાઈ ડ્રોન જાહેર”
જામનગર તા.૮ મે, આગામી તા.૧૦/૦૫/૨૦૨૬ થી તા.૧૧/૦૫/૨૦૨૬ દરમ્યાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જામનગર જિલ્લા ખાતેના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર છે. જે સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM) ના ગેરલાભ લઇ મહાનુભાવશ્રીની સુરક્ષાને તેમજ જામનગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતને હાની પહોંચાડે નહી તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ. એમ. કાથડ દ્વારા જામનગર મહાનગરપાલિકા સહિત જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને “નો ડ્રોન ફ્લાઇ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમ તા.૧૦/૦૫/૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી તા.૧૧/૦૫/૨૦૧૬ ના રોજ સાંજે ૬:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.
જામનગર જિલ્લાના વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE) ક્વાડ કોપ્ટર (QUAD COPTER) પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એર ક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT) હેંગ ગ્લાઇડર/ પેરા ગ્લાઇડર (HANG GLIDER / PARA GLIDER) પેરા મોટર (PARA MOTER) તેમજ હોટ એર બલુન્સ (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવા/કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું પોલીસ વિભાગ, સશસ્ત્ર દળો, SPG, IB તથા અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા, બંદોબસ્ત અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ઉપયોગમાં લેવાતા હવાઈ સંસાધનો, સેનાદળો, કોસ્ટ ગાર્ડ, BSF, CRPF, CISF, NSG તથા અન્ય કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને VIP સુરક્ષા હેતુસર ઉપયોગમાં લેવાતા હવાઈ સાધનો, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, એર એમ્બ્યુલન્સ, NDRF, SDRF તથા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા ઈમરજન્સી, બચાવ અને રાહત કામગીરી માટે ઉપયોગમાં લેવાતા હવાઈ સાધનો તથા સંધાધનોને લાગુ પડશે નહી.
આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારનીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.