જામનગર સહિત સમગ્ર હાલારમાં આજે અષાઢી બીજની ભવ્ય ઉજવણી
ફલ્લા નજીક ધ્રાંગડા ગામ સુધી મચ્છુ માતાજીની પગપાળા શોભાયાત્રા, કાલાવડ અને ધ્રોલ અને રણુજામાં મહાપ્રસાદ અને મહોત્સવ યોજાશે: વચ્છરાજ મિત્ર મંડળ દ્વારા અષાઢી બીજ મહોત્સવ યોજાશે: ગામડાઓ અને શાળાઓમાં બાળકોએ પ્રવેશ મેળવ્યો
જામનગર સહિત સમગ્ર હાલારમાં આજે અષાઢી બીજ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડુતોએ તેમના ઓજારો શણગાર્યા હતા, ગામડાઓમાં બાળકોએ મીઠુ મોઢુ કરીને શાળામાં પ્રવેશ મેળવ્યો હતો, બહેનોએ વડીલોને પ્રણામ કરીને આશીર્વાદ મેળવ્યા હતા આ સિવાય અષાઢી બીજ મહોત્સવ, સંતવાણી, સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરમાં જય વચ્છરાજ મિત્ર મંડળ દ્વારા આજે અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરાયુ છે, દાદાની ભવ્ય શોભાયાત્રા આજે સવારે ૯ વાગે નીકળી હતી સાંજે ૬.૩૦ વાગ્યે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો અને ત્યારબાદ મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફલ્લા ખાતે અષાઢી બીજ નિમિતે આઇ મચ્છો માતાજીની શોભાયાત્રા ફલ્લાથી ધ્રાંગડા ગામ સુધી પગપાળા નીકળી હતી. ફલ્લાના મોમાઇ માતાજીના મંદિરેથી ડીજેના સથવારે સાવન ભરવાડ, મિલન ભરવાડ, અને હિરેન ભરવાડ જેવા અન્ય કલાકારો સાથે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો, મંદિરે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો છે.
આજે સવારે કાલાવડ અને અલિયાબાડા તેમજ નાના મોટા રણુજા ખાતે દર્શન, મહાપ્રસાદ અને સંતવાણીના કાર્યક્રમ યોજાયા હતા. અલિયાબાડાના રામદેવજીના મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી થઇ રહી છે. કાલાવડ નજીક આવેલુ જુના અને મોટા રણુજા ગામમાં રામદે મહારાજનું મંદિર છે તેમજ અલિયાબાડા ખાતે આવેલા મંદિરમાં અષાઢીબીજની ઉજવણી થઇ રહી છે આજે સવારે પાંચ વાગ્યે ભકતો માટે મંદિરના દ્વાર ખોલી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ અલખધણીનો જયઘોષ કરાયો હતો, સવારથી બાબા રામદેવજીના અલૌકિક મુખારવિંદના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડયો હતો. સાંજે લોકડાયરો યોજાશે જેમાં વિવિધ કલાકારો ભાગ લેશે.
આજે અષાઢી બીજ નિમિતે કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, લાલપુર, ધ્રોલ, જોડીયા સહિતના ગામોમાં પણ ખેડુતોએ આજે પવિત્ર દિવસે ઓજાર અને બળદને શણગાર્યા હતા. ગામડાની સ્કુલોમાં શ્રીફળ અને સાકર આપીને બાળકોએ શિક્ષકોનું મોં મીઠુ કરાવ્યું હતું કેટલાક ગામડાઓમાં અષાઢી બીજના દિવસથી બાળકોને શિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આમ હાલારભરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી થઇ હતી.