જામનગર, દ્વારકા સહિત અન્ય ગામોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા
સિદ્ધનાથ સોસાયટીમાં જગન્નાથ મંદિરમાં સવારે સેવા પુજા કરવામાં આવી: બપોર બાદ પ્રતિકાત્મક શોભાયાત્રા નીકળશે: ઇસ્કોન દ્વારા તા.૧૮ના રોજ બપોરે ૩.૩૦ વાગ્યે શ્રીજી રોડથી નીકળશે યાત્રા: ગઇકાલે દ્વારકામાં સાંજે ચાંદીના રથમાં ભગવાનને પરિક્રમા કરી: આજે હાંડી ઉત્સવ: ખંભાળીયા, ધ્રોલ, ભાણવડ અને દ્વારકામાં જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી ઉઠયા
આજે અષાઢી બીજના પવિત્ર દિવસે જામનગરમાં સિદ્ધનાથ સોસાયટીમાં જગન્નાથજીના સેવક સમુહ દ્વારા બપોરે પુજા કરીને પ્રતિકાત્મક શોભાયાત્રા નીકળશે. આ મંદિરમાં ૧૨ દિવસનો ઉત્સવ શરૂ થયો છે. શનિવાર તા.૧૮ના રોજ ઇસ્કોન દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી ભવ્ય રથયાત્રા નીકળશે. તે પોટરી ગલી પાસે વિરામ લેશે, આ દરમ્યાન અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકા, ખંભાળીયા, ધ્રોલ, ભાણવડમાં પણ રથયાત્રા નીકળશે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે હાલારમાં ભકતો જગન્નાથ બની ગયા છે.
સિદ્ધનાથ સોસાયટીના જગન્નાથ મંદિરમાં ૧૨ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે પ્રતિકાત્મક રથયાત્રા નીકળ્યા બાદ મહાપુજા, તા.૨૪ના રોજ બાહુડા યાત્રા, જેમાં અષાઢ સુદ દશેરાના દિવસે ભગવાન જગન્નાથ કૃષ્ણ અને તેના મોટા ભાઇ બલરામ, અને તેના બહેન સુભદ્રાના ઘેરથી પાછા આવશે. ત્યારબાદ તેરસના દિવસે તા.૨૭ના રોજ ભગવાન મંદિરમાં પુન: પ્રવેશ કરશે. તે દિવસે નિલાદ્રી ઉત્સવ યોજાશે.
શહેરમાં તા.૧૮ના રોજ બપોરે ૩.૩૦ વાગ્યે ઈસ્કોન સંસ્થા દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક, શ્રીજી હોલ પાસેથી એક વિશાળ શોભાયાત્રા નીકળશે જે સત્યમ કોલોની, હીરજી મીસ્ત્રી રોડ, જોલી બંગલો, ખંભાળીયા ગેઇટ, સજુબા સ્કુલ, બેડી ગેઇટ, ટાઉનહોલથી કેવી રોડ થઇને પોટરી વાળી ગલી પાસે વિરામ પામશે. આ શોભાયાત્રામાં વિવિધ સંસ્થાઓ દ્વારા ફલોટસ રાખવામાં આવશે અને સત્સંગ મંડળો પણ જોડાશે. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા રમા રમણદાસ અને મંદિર પ્રમુખ મુરલીધર દાસ કરી રહ્યાછે. શનિવાર તા.૧૮ના રોજ રાત્રે ૮ વાગ્યે રાજકોટ હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરમાં ચૈતન્ય મહાપ્રભુજીનું પ્રવચન અને ત્યારબાદ મહાપ્રસાદ અને આરતીનું આયોજન કરવામાં આવેલ છે.
દ્વારકાના જગત મંદિરમાં ગઇકાલે મંદિરના પરિસરમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે દ્વારકાધીશના બાળ સ્વપની ચાર પરિક્રમા થઇ હતી જેમાં હજારો ભાવિકોએ નમન કર્યા હતા. સુશોભિત ચાંદીના રથમાં અશ્ર્વથી શોભિત આ દિવ્ય રથને મંદિરના પુજારી પરિવાર દ્વારા ભાવિકોની હાજરીમાં મુખ્ય ગર્ભગૃહની આસપાસ ચાર વખત પરિક્રમા કરાયા બાદ શ્રીજીનો જયઘોષ કરાયો હતો અને ભગવાનને વિશેષ ભોગ ધરાવવામા આવ્યો હતો. ચાંદીના રથને મુખ્ય મંદિર સામે આવેલા માતાના દેવકીના મંદિર પાસેના પવિત્ર સ્તંભ સાથે સ્પર્શ કરાવાયો હતો આ વિધિને શુભ માનવામાં આવે છે.
ખંભાળીયામાં પણ કાલેે ભગવાન જગન્નાથજીની વિશાળ શોભાયાત્રા નીકળશે. જયારે ધ્રોળમાં આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલારમા ઠેર ઠેર જય જગન્નાથનો નાદ સંભળાઇ રહ્યો છે ત્યારે આજે અને શનિવારે જામનગરમાં યોજાનારી શોભાયાત્રામાં હજારો ભાવિકો હાજર રહેશે.