જામનગર: દરેડ જીઆઈડીસીમાં ૫૭ લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
૭૬૩૨ બોટલો કબ્જે : નામીચો શખ્સ રફુચકકર : એલસીબીનો વિદેશી દારૂના નેટવર્ક પર સપાટો
જામનગર તાલુકાના દરેડ જી. આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા એક પ્લોટ પર એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ ૭૬૩૨ બોટલ સહિત ૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દરોડા વખતે આરોપી નાશી ગયો હોવાનું બહાર આવતા તેની શોધખોળ આદરવામાં આવી છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક તથા રાજકોટ રેન્જના આઈજીપી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગારધારા હેઠળના ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન મુજબ જિલ્લામાં દારૂ અને જુગારની બદી ડામવા એલસીબીને ખાસ દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
તે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા સ્ટાફ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એલસીબી સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર અને રૂષીરાજસિંહ વાળાને ખાનગી બાતમી મળી હતી કે દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા એક શેડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે.
બાતમીના આધારે દરેડ જી.આઈ.ડી.સી.ના પ્રાઇવેટ ઝોનમાં નિલકંઠ એસ્ટેટ, શેરી નં. ૨ ખાતે આવેલા મહાવીરસિંહના પ્લોટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્લોટમાં આવેલી ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૭૬૩૨ બોટલો (૬૩૫ પેટી) મળી આવી હતી. આથી પોલીસે અલગ અલગ બ્રાન્ડનો દારૂ સહિત કુલ ૫૭,૦૨,૮૫૯નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે થોડા સમય પહેલાં પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂકેલા મહાવીરસિંહ દેવાજી જાડેજા, (રહે. પ્રણામીનગર, રણજીત સાગર રોડ, જામનગર) નામચીન શખ્સ દ્વારા ફરી દારૂનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હોવાની બાતમી મળી છે.
એલસીબીને મળેલી બાતમી મુજબ આ જથ્થો થોડા દિવસ પહેલાં જ અહીં ઉતારવામાં આવ્યો હતો અને સમગ્ર હિલચાલ અંગે કેટલાંક સીસીટીવી ફૂટેજ પણ પોલીસના હાથ લાગ્યા હોવાનું જાણવા મળે છે. જેના આધારે દારૂના સપ્લાય ચેઇન અને સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ તેજ કરી છે.
દરોડા દરમિયાન પ્લોટના કબ્જેદાર મહાવીરસિંહ દેવાજી જાડેજા, રહે. પ્રણામીનગર, રણજીત સાગર રોડ, જામનગર સ્થળ પરથી મળી આવ્યો ન હતો. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.