ખંભાળિયાના વૃધ્ધ મેલી વિદ્યા જાણતો હોવાની શંકા સેવી પાંચ શખ્સો દ્વારા હુમલો
લાકડી, કુહાડા વડે ફ્રેકચર સહિતની ઇજા કરી ધમકી આપી
ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી જગાભાઈ રાજાભાઈ વેસરા નામના ૬૮ વર્ષના ભરવાડ વૃધ્ધ ગત તા. ૨૭ મીના રોજ ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે આવેલી વલમદાસ બાપાની જગ્યા ખાતે બાર પોરામાં સેવા પૂજા કરવા માટે ગયા હતા, ત્યારે અહીં ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામના ખોડા ચના વેસરા, ચના દેવા વેસરા, ઘેલા ધના ગમારા, નારણ ધના ગમારા અને નાથા મલા ગમારા નામના પાંચ શખ્સો અહીં ધસી આવ્યા હતા.
આરોપીઓએ ફરિયાદી જગાભાઈ વેસરા મેલી વિદ્યા જાણતા હોવાની શંકા કરી અને આરોપીઓના પરિવારમાં જ્યારે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તેઓને ફરીયાદી જગાભાઈએ મેલીવિદ્યાથી માર્યા હોવાની શંકા આરોપીઓએ વ્યક્ત કરી હતી.
આ પછી આરોપીઓએ એકસંપ કરી, ગેરકાયદેસર રીતે મંડળી રચી, ફરિયાદી જગાભાઈને બિભત્સ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં આરોપીઓએ લાકડી તેમજ કુહાડા વડે બેફામ માર મારી, ફેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે રાયોટિંગ અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પી.એમ. ગોરફાડ દ્વારા હાથ કરવામાં આવી છે.